ખેડા જિલ્લાના નડિયાદ રેલવે સ્ટેશન પર એક અત્યંત ગંભીર દુર્ઘટના બનતા સહેજમાં અટકી ગઈ હતી.ભૂલથી અન્ય ટ્રેનમાં સવાર થઈ ગયેલી ત્રણ મહિલા મુસાફરો પૈકી એક મહિલા ચાલુ ટ્રેનમાંથી ઉતરવા જતાં દરવાજા પર લટકી ગઈ હતી.પ્લેટફોર્મ પર ફરજ બજાવી રહેલા જીઆરપી પીએસઆઈ બી.પી.મકવાણાએ સમયસૂચકતા વાપરીને મહિલાને હેમખેમ બચાવી લીધી હતી.

મહિલા મુસાફરનો પગ પ્લેટફોર્મ પર લપસી ગયો 

ઘટનાની વિગતો મુજબ,ત્રણ મહિલા મુસાફરો ભૂલથી પોતાની નિયત ટ્રેનને બદલે અન્ય ટ્રેનમાં સવાર થઈ ગઈ હતી.થોડી જ વારમાં તેમને અહેસાસ થયો હતો કે તેઓ ખોટી ટ્રેનમાં બેસી ગઈ છે.જેથી તેમણે તાત્કાલિક તે ટ્રેનમાંથી નીચે ઉતરી જવાનો પ્રયાસ શરૂ કર્યો હતો.આ ત્રણેય મહિલાઓ પૈકી આગળ રહેલી બે મહિલા મુસાફરો ટ્રેન ઊભી હતી તે દરમિયાન સમયસર અને સલામત રીતે પ્લેટફોર્મ પર નીચે ઉતરી ગઈ હતી.જ્યારે ત્રીજી મહિલા મુસાફર નીચે ઉતરી રહી હતી ત્યારે અચાનક ટ્રેન ચાલુ થઈ ગઈ હતી.ટ્રેને ગતિ પકડતાં જ ઉતાવળમાં નીચે ઉતરવા ગયેલી આ મહિલા મુસાફરનો પગ પ્લેટફોર્મ પર લપસી ગયો હતો.પગ લપસી જવાને કારણે મહિલા સીધી જ ટ્રેનના દરવાજા પર લટકી ગઈ હતી અને ગંભીર સ્થિતિ સર્જાઈ હતી.

હાજર મુસાફરોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો

ટ્રેનના દરવાજે મહિલા લટકતી હોવાની આ અત્યંત જોખમી પરિસ્થિતિ જોઈને પ્લેટફોર્મ પર હાજર મુસાફરોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો.તે જ સમયે ત્યાં પ્લેટફોર્મ પર ફરજ બજાવી રહેલા જીઆરપી પીએસઆઈ બી.પી.મકવાણાએ ક્ષણનો પણ વિલંબ કર્યા વિના સમયસૂચકતા અને હિંમત દર્શાવી હતી.તાત્કાલિક દોડી જઈને ચાલુ ટ્રેને લટકતી મહિલા મુસાફરને પકડી લીધા હતા અને પૂરી તાકાત લગાવી સુરક્ષિત રીતે પ્લેટફોર્મ પર ખેંચી લીધા હતા.પોલીસ અધિકારીની આ ત્વરિત અને સાહસિક કાર્યવાહીને લીધે મહિલા ટ્રેન નીચે આવતા બચી ગઈ હતી.સદનસીબે આ ભયાનક ઘટનામાં મહિલા મુસાફરનો આબાદ બચાવ થયો હતો અને તેમને કોઈ પણ પ્રકારની ઈજા પહોંચી ન હતી. 

આ પણ વાંચોઃ Surendranagar News : લીંબડી-અમદાવાદ હાઈવે પર કાળમુખું આઈસર ત્રાટક્યું, પદયાત્રી સંઘને અડફેટે લેતા 1નું મોત, 8 ઈજાગ્રસ્ત