ખેડા જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ તેમજ કોન્ટ્રાક્ટરોની લોભી નીતિનો વધુ એક નમૂનો સામે આવ્યો છે. અલીણાથી પણસોરાને જોડતા મુખ્ય રોડ પર હેરંજ ગામ પાસેથી પસાર થતી શેઢી નદી પર અંદાજે રૂ. ૫.૫૦ કરોડના ખર્ચે નવો હાઇ-લેવલ બ્રિજ તૈયાર કરવામાં આવ્યો હતો. આ બ્રિજનું વિધિવત ઉદ્ઘાટન કે લોકાર્પણ થાય તે પહેલાં જ બ્રિજની ગુણવત્તાના ધજાગરા ઊડી ગયા છે.
કોન્ટ્રાક્ટરોની લોભી નીતિનો વધુ એક નમૂનો
હાલમાં જ પડેલા મુસળધાર વરસાદ બાદ શેઢી નદીમાં ચોમાસાની સિઝનનું પ્રથમ પૂર આવ્યું હતું. શેઢી નદીના પૂરના પાણી બ્રિજના પિલર અને કાંઠા સાથે અથડાતાં જ બ્રિજના બંને છેડા પાસે કરવામાં આવેલું માટીનું પુરાણ અને ઉપરનો ડામરનો રોડ ભયાનક રીતે બેસી ગયો છે. બ્રિજની સાઇડો ધસી જતાં જ નવનિર્મિત પુલ પર મોટા ખાડા અને તિરાડો પડી ગઈ છે.
ભ્રષ્ટાચાર વિરુદ્ધ કડક તપાસની માંગ
હેરંજ બ્રિજની સાઇડ ધસી જવાની ઘટનામાં સૌથી ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે આ બ્રિજના નિર્માણનું કામ જે એજન્સીને સોંપવામાં આવ્યું હતું, તે એજન્સીને અમદાવાદ જિલ્લા પંચાયત વિભાગ દ્વારા નબળી કામગીરી માટે અગાઉથી બ્લેકલિસ્ટ (Blacklisted) કરવામાં આવેલી હતી. બ્લેકલિસ્ટ થયેલી વિવાદિત એજન્સીને ખેડા જિલ્લામાં કરોડો રૂપિયાનો બ્રિજ બનાવવાનો કોન્ટ્રાક્ટ કોના કહેવાથી આપવામાં આવ્યો? તે બાબત હવે મોટો યક્ષપ્રશ્ન બની છે.
સ્થાનિકો અને વાહનચાલકોનો આક્રોશ
હેરંજ અને આસપાસના ગ્રામજનોએ આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું છે કે, "રૂ. 5.50 કરોડની સરકારી ગ્રાન્ટ પાણીમાં ગઈ છે. પહેલા જ પૂરમાં જો બ્રિજનો એપ્રોચ રોડ ધોવાઈ જતો હોય તો પછી આ બ્રિજ કેટલો સુરક્ષિત ગણાય? સરકારી અધિકારીઓ અને બ્લેકલિસ્ટ કોન્ટ્રાક્ટરની મિલીભગત વગર આવો લોટ પાણી ને લાકડા જેવો ભ્રષ્ટાચાર શક્ય જ નથી."ઘટનાની જાણ થતાં જ ખેડા જિલ્લા વહીવટી તંત્ર અને માર્ગ-મકાન વિભાગના અધિકારીઓ દોડતા થયા છે. તંત્ર દ્વારા સ્થળ તપાસ હાથ ધરીને બ્રિજના બેસી ગયેલા ભાગને પટ્ટીઓ મારીને કવર કરવાની અને તકેદારીના પગલાં લેવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો: Surat: વેસુમાં પત્ની સાથેના વિવાદમાં પિતાએ જ માસૂમ પુત્રનું અપહરણ કરાવ્યું, પરિવાર ફોન સ્વિચ ઓફ કરી ભૂગર્ભમાં ઉતરી ગયો