ખેડા જિલ્લાના કપડવંજ તાલુકામાં આવેલી નર્મદા નહેરમાંથી એક દુઃખદ ઘટના સામે આવી છે. કપડવંજના ફતિયાવાદ ગામ પાસેથી પસાર થતી મુખ્ય નર્મદા કેનાલમાં એક 17 વર્ષીય યુવકે અચાનક ઝંપલાવી દીધું હતું. ભરબપોરે બનેલી આ ઘટનાને પગલે આસપાસના સ્થાનિક રહીશો અને માર્ગ પરથી પસાર થતા વાહનચાલકોમાં ભારે અરેરાટી અને ચકચાર મચી ગઈ હતી. ઘટના અંગે પોલીસ તેમજ આપાતકાલીન ટીમોને જાણ કરવામાં આવી હતી.

માતરિયા ગામનો યુવક હોવાની ઓળખ છતી થઈ

પ્રાથમિક તપાસ અને સ્થાનિકો પાસેથી મળેલી માહિતી મુજબ નહેરમાં કૂદી પડનાર યુવકની ઓળખ કપડવંજ તાલુકાના ખડોલ પાસે આવેલા માતરિયા ગામના રહીશ 17 વર્ષીય હિતેશકુમાર ચૌહાણ તરીકે થઈ છે. યુવકે કયા કારણોસર આ અંતિમ પગલું ભર્યું તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ વિગતો સામે આવી નથી. પરિવારે અણધાર્યા બનાવના સમાચાર મળતાં જ શોકની કાલિમા છવાઈ ગઈ છે.

પોલીસ ઘટનાસ્થળે પહોંચી, તપાસનો ધમધમાટ શરૂ

બનાવની જાણ થતાં જ કપડવંજ પોલીસની ટીમ તાત્કાલિક ફતિયાવાદ કેનાલ ખાતે ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે ફાયર બ્રિગેડ અને સ્થાનિક મરજીવાઓની મદદથી નહેરમાં ગરકાવ થયેલા યુવકની શોધખોળ હાથ ધરી છે. આ સાથે જ પોલીસે પરિજનો તેમજ આસપાસના લોકોના નિવેદનો નોંધીને યુવકના આ પગલાં પાછળનું સાચું કારણ જાણવા અંગે આગળની તપાસ હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો