ખેડા જિલ્લા પોલીસે સંગઠિત ગુનાખોરી અને દાદાગીરી કરતા અસામાજિક તત્વો સામે લાલ આંખ કરીને અત્યાર સુધીની સૌથી કડક કાર્યવાહી કરી છે. નડિયાદ અને આસપાસના વિસ્તારોમાં આતંક મચાવનારી કુખ્યાત ‘ભાનું ભરવાડ ગેંગ’ સામે જિલ્લાનો પ્રથમ GUJCTOC હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસના આ કડક સપાટાથી ગુનાખોરોમાં ભારે ખળભળાટ અને ફફડાટ વ્યાપી ગયો છે.
નાના ખેડૂતોથી બિલ્ડરો પર દાદાગીરીના આક્ષેપ
આ ગેંગ સામે નાના ખેડૂતોથી લઈને જાણીતા બિલ્ડરો સુધીના લોકોને પરેશાન કરવાના અને જમીનો પચાવી પાડવાના ગંભીર આક્ષેપો થયા છે. જાણીતા ‘મન બિલ્ડર’ ની બિલોદરા ખાતે આવેલી અક્ષય બંગલોઝ સાઇટ પર માપણી દરમિયાન દાદાગીરી કરી હુમલો કરવાનો આક્ષેપ છે. બિલ્ડર સંદીપ પટેલે પણ આ ગેંગ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેમાં તેમને ધમકી આપી ફોન છીનવી લેવામાં આવ્યો હોવાના વીડિયો પુરાવા પણ સામે આવ્યા છે.
