ખેડા જિલ્લાના મહેમદાબાદ તાલુકાના મલાતજ ગામમાં ગૌચર અને સરકારી તળાવની માટી ગેરકાયદે ખોદી વેચી મારવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. આ સમગ્ર કૌભાંડમાં અંદાજે 5 કરોડ રૂપિયાના ગોટાળાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ગ્રામજનોના આક્ષેપ મુજબ, માત્ર 5,000 મેટ્રિક ટન માટી ખોદવાની મંજૂરી સામે 1 લાખ મેટ્રિક ટનથી વધુ માટી ખોદી લેવામાં આવી હતી.

મંજૂરી કરતાં અનેકગણી માટી ખોદ્યાનો આક્ષેપ

આક્ષેપ મુજબ, 20 દિવસની પરમિટના નામે અંદાજે 3 મહિના સુધી મશીનરી ચલાવી સરકારી જમીનમાંથી માટી ખોદવામાં આવી હતી. સ્થળ તપાસમાં કુલ 1,04,990 મેટ્રિક ટન વધુ માટી ખોદાઈ હોવાનો ખુલાસો થયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ અહેવાલ મુજબ, સરકારી તળાવમાંથી 22,683 મેટ્રિક ટન અને ગૌચરની જમીનમાંથી 83,610 મેટ્રિક ટન માટી ગેરકાયદે ઉપાડવામાં આવી હોવાનો ઉલ્લેખ છે.

ભૂસ્તર વિભાગનો 2.59 કરોડનો દંડ, વસૂલાત ક્યાં?

આ મામલે ભૂસ્તર વિભાગે 2.59 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો હોવાની વિગતો સામે આવી છે. જોકે, આજદિન સુધી દંડની વસૂલાત કેમ કરવામાં આવી નથી તેવો સવાલ ગ્રામજનો ઉઠાવી રહ્યા છે. દંડની કાર્યવાહી બાદ પણ માટી ચોરીના આરોપીઓ સામે પોલીસ ફરિયાદ કેમ નોંધાઈ નથી તે અંગે પણ પ્રશ્નો કરવામાં આવ્યા છે.

સરપંચ અને અધિકારીઓની સંડોવણીના આક્ષેપ

આ સમગ્ર મામલે સરપંચ, ડેપ્યુટી સરપંચ, તલાટી સહિતના સરકારી અધિકારીઓની સંડોવણી હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. જુલાઈ 2025માં એસીબી સમક્ષ ફરિયાદ કરવામાં આવી હતી અને તપાસના આદેશ અપાયા હોવાનો પણ ઉલ્લેખ છે. તેમ છતાં એફઆઈઆર મામલે કાર્યવાહી ક્યાં અટકી છે તેવો સવાલ ઊભો થયો છે.

2026માં વધુ 5 લાખ મેટ્રિક ટન માટી ઉપાડ્યાનો આરોપ

મે અને જૂન 2026 દરમિયાન વધુ 5 લાખ મેટ્રિક ટન માટી ઉપાડવામાં આવી હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. આ નવા આક્ષેપોને પગલે સરકારી તંત્રની કામગીરી સામે વધુ સવાલો ઊભા થયા છે.

ગ્રામજનોની મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત

23 નવેમ્બર 2026ના રોજ ગ્રામજનો અને પંચાયત સભ્ય રમેશ વસાવાએ મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી હતી. તમામ જવાબદાર આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરી કડક પોલીસ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.હવે આ સમગ્ર મામલે મુખ્યમંત્રી સમક્ષ થયેલી રજૂઆત બાદ તંત્ર શું કાર્યવાહી કરે છે અને દંડની વસૂલાત તથા પોલીસ તપાસ ક્યારે આગળ વધે છે તેના પર સૌની નજર છે. 


આ પણ વાંચો :     26/11 Attacksની 18મી વરસીએ સૌથી નાની સાક્ષીએ યાદ કરી ભયાનક રાત, કહ્યું- કસાબ માત્ર મચ્છર હતો, પાકિસ્તાનમાં બેઠેલા અસલી માસ્ટરમાઇન્ડને સજા મળવી જોઈએ