ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના કાણીયલ ગામેથી સરકારી તંત્રને શર્મસાર કરતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. કાણીયલ ગામે જિલ્લા કલેક્ટરની સત્તાવાર વિઝિટ (મુલાકાત) ગોઠવાયેલી હતી. આ મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્ટરે કટોકટીનો સપાટો બોલાવતા કાણીયલ પ્રાથમિક શાળાના ઇન્ચાર્જ H-TAT આચાર્ય ભગવતસિંહ ઝાલાને ફરજ પર જ દારૂના નશામાં ચુર એટલે કે પીધેલી હાલતમાં રંગેહાથ ઝડપી પાડ્યા હતા. કલેક્ટરે તાત્કાલિક કડક પગલાં ભરીને નશાખોર આચાર્યને કઠલાલ પોલીસના હવાલે કરી દીધા હતા.
અગાઉ પણ વિવાદોમાં રહી ચૂક્યા છે આ આચાર્ય
નશાખોર હાલતમાં ઝડપાયેલા આચાર્ય ભગવતસિંહ ઝાલા હાલ ગંગાદાસના મુવાડા ખાતે ફરજ બજાવે છે. આ કોઈ પ્રથમ ઘટના નથી જ્યારે તેઓ વિવાદમાં આવ્યા હોય. આ અગાઉ પણ તેઓ જ્યારે મહેમદાવાદ તાલુકાની રૂદન પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા, ત્યારે પણ શિસ્તભંગ અને વિવિધ વિવાદોમાં આવી ચૂક્યા છે. એક શિક્ષક અને આચાર્ય જેવા જવાબદાર પદ પર હોવા છતાં તેમની આવી બેદરકારી સામે આવતા વાલીઓ અને શિક્ષણ જગતમાં ભારે ફિટકારની લાગણી વ્યાપી છે.
