ખેડા જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો પગપેસારો થતાં આરોગ્ય તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે. મહુધા તાલુકાના સાપલા ગામે 9 વર્ષીય બાળકી ચાંદીપુરા વાયરસની ઝપેટમાં આવી હોવાનો પ્રથમ કેસ સામે આવ્યો છે. બાળકીની તબિયત લથડતાં તેને તાત્કાલિક વધુ ગંભીર સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ કેસ પ્રકાશમાં આવતાં જ તાલુકા અને જિલ્લા આરોગ્ય અધિકારીઓની ટીમો ત્વરિત સાપલા ગામે પહોંચી ગઈ હતી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
આરોગ્ય વિભાગ દ્વારા ઘેરઘેર સઘન સર્વે કામગીરી શરૂ
બાળકીમાં ચાંદીપુરા વાયરસના લક્ષણો જણાતાં જ આરોગ્ય વિભાગ દ્વારા સાપલા ગામમાં મોટા પાયે સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે. તબીબી ટીમો દ્વારા ઘેરઘેર જઈને આરોગ્ય તપાસ કરવામાં આવી રહી છે. ખાસ કરીને નાના બાળકોમાં તાવ, ઉલટી કે અન્ય સંબંધિત લક્ષણો છે કે કેમ તેની ઝીણવટભરી તપાસ કરાઈ રહી છે. આ ઉપરાંત વાયરસનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે ગામમાં જંતુનાશક દવાઓનો છંટકાવ અને જાગૃતિ અભિયાન પણ તેજ કરવામાં આવ્યું છે.
