ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકામાંથી એક હૃદયદ્રાવક અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ–ડાકોર હાઈવે પર આવેલા કેશરા ગામની મુવાડી પાટિયા પાસે એક પૂરપાટ ઝડપે દોડતા આઈસર વાહને બાઈકને જોરદાર ટક્કર મારી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં બાઈક પર સવાર બે મહિલાઓનાં ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતા.

સુરક્ષા વ્યવસ્થા અને ડિવાઈડરના અભાવે સર્જાઈ દુર્ઘટના

પ્રાપ્ત વિગતો અનુસાર, હાલ આ માર્ગ પર રસ્તાના ખાડા પૂરવાની કામગીરી ચાલી રહી હતી. કામગીરી દરમિયાન યોગ્ય ડિવાઈડર કે ટ્રાફિક ડાયવર્ઝન જેવી સુરક્ષા વ્યવસ્થાનો અભાવ હોવાના કારણે આ ભયાનક અકસ્માત સર્જાયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. અકસ્માતના પગલે માર્ગ પર ભારે હોબાળો મચી ગયો હતો અને આસપાસના લોકોનાં ટોળેટોળાં એકઠાં થઈ ગયાં હતા.

Kheda News: Road Accident, Two Women Killed in Collision on Ahmedabad-Dakor Highway

પોલીસ દ્વારા મૃતદેહોને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડાયા

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સ્થિતિને કાબૂમાં લઈ લોકોની ભીડને હટાવી હતી અને મૃત્યુ પામનાર બંને મહિલાઓના મૃતદેહોને પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


આ પણ વાંચો: Kheda: PI અને PSI કક્ષાના 9 અધિકારીઓની સાગમટે બદલી, તાત્કાલિક હાજર થવા SP નો આદેશ!