રાજ્ય સરકાર દ્વારા વિકાસના મોટા-મોટા દાવા કરવામાં આવે છે, પરંતુ ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના મીઠાના મુવાડા ગામની દયનીય સ્થિતિ અંગેના અહેવાલ બાદ અંતે સરકારી તંત્ર હરકતમાં આવ્યું છે. 21મી સદીમાં પણ 50 થી વધુ પરિવારો અને શાળાએ જતા માસૂમ બાળકો કમરડૂબ પાણી પાર કરવા માટે વૃક્ષોની ડાળીઓનો સહારો લેવા મજબૂર બન્યા હતા. આ ગંભીર જમીની હકીકત મીડિયામાં સામે આવ્યા બાદ અને વિકાસના દાવાઓની પોલ ખુલતા જ તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે.

ગળતેશ્વર તાલુકા પંચાયતની ટીમે સ્થળ પર પહોંચી લોકોની વેદના સાંભળી

અહેવાલ પ્રસિદ્ધ થતાં જ ગળતેશ્વર તાલુકા પંચાયતની ટીમ તાત્કાલિક અસરથી મીઠાના મુવાડા ગામના સીમ વિસ્તારમાં પહોંચી હતી. અધિકારીઓએ સ્થળ પર જઈને જોખમી રીતે વૃક્ષની ડાળીઓ પરથી પસાર થતા ગ્રામજનો અને માસૂમ બાળકો સાથે સીધો સંવાદ કર્યો હતો. ચોમાસા દરમિયાન રોજના અવરજવર માટે સહન કરવી પડતી ભારે હાલાકી, ઘાસચારો અને સામાન લઈ જવાની મુશ્કેલીઓ તેમજ જીવના જોખમ અંગે સ્થાનિક લોકોની દર્દનાક વેદના અધિકારીઓએ રૂબરૂ સાંભળી હતી.

https://twitter.com/sandeshnews/status/2085335090796867861

રસ્તા પર નાળુ બનાવવા માટે સર્વે પૂર્ણ, જિલ્લામાં મોકલાશે રિપોર્ટ

સ્થાનિકોની આ ગંભીર સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે તાલુકા પંચાયતની ટીમે રસ્તા પર નાળુ બનાવવા માટેની પ્રાથમિક સર્વે કામગીરી હાથ ધરી હતી. અધિકારીઓએ જણાવ્યું છે કે, સર્વે રિપોર્ટ અને સ્થળની વર્તમાન સ્થિતિ અંગેનો સંપૂર્ણ અહેવાલ તૈયાર કરીને તાત્કાલિક જિલ્લા કક્ષાએ મોકલવામાં આવશે. મીડિયાના અહેવાલ બાદ તંત્ર હરકતમાં આવતા હવે ગ્રામજનોને આશા બંધાઈ છે કે, વહેલી તકે નાળાનું નિર્માણ થશે અને તેમને વર્ષો જૂની આ હાલાકીમાંથી કાયમી મુક્તિ મળશે.


આ પણ વાંચો - Kheda News: મીઠાના મુવાડામાં 'વિકાસ' ગાયબ, જીવના જોખમે અવરજવર કરવા મજબૂર લોકો, Photos