ખેડાના કપડવંજમાંથી વીડિયો બનાવીને સીન સપાટા મારતા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. કપડવંજ પંથકના આતરસુંબાના રહેવાસી સંજય રાજપૂત નામના એક યુવકે પોતાની મોંઘીદાટ કાર પર રોફ જમાવતો એક સ્ટંટબાજીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. તપાસમાં બહાર આવ્યું છે કે, આ યુવકે કપડવંજ બજારમાંથી પોલીસનું પેટ્રોલિંગ પસાર થઈ ગયું ત્યારબાદ કાયદાના રીતસરના લીરેલીરા ઉડાવીને આ વીડિયો શૂટ કર્યો હતો. વીડિયો વાયરલ થતાં જ સોશિયલ મીડિયા પર પોલીસની આબરૂના ધજાગરા ઉડતા કપડવંજ પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી હતી.
મોંઘી કારમાંથી બ્લેક ફિલ્મ અને રોફ બંને ઉતાર્યા
વીડિયો સામે આવ્યાના ગણતરીના કલાકોમાં જ કપડવંજ પોલીસે સ્ટંટબાજ સંજય રાજપૂતને તેની મોંઘીદાટ કાર સાથે દબોચી લીધો હતો. પોલીસે યુવકને કાયદાનું ભાન કરાવીને તેની ગાડીના કાચ પર ગેરકાયદેસર રીતે લગાવેલી મોંઘી બ્લેક ફિલ્મ ઘટનાસ્થળે જ જાતે ઉખાડીને દૂર કરાવી હતી. આ ઉપરાંત, નિયમોનું ઉલ્લંઘન કરીને રોડ પર દોડતી આ નંબર પ્લેટ વગરની કાર પર તાત્કાલિક નવી નંબર પ્લેટ લગાવડાવી હતી. પોલીસે ટ્રાફિક નિયમોના ભંગ બદલ કાર માલિકને સ્થળ પર જ મોટો દંડ ફટકારીને કાયદાનો આકરો પાઠ ભણાવ્યો હતો.
