ખેડા જિલ્લામાંથી પસાર થતા અને દક્ષિણ તથા મધ્ય ગુજરાતને જોડતા અત્યંત મહત્વના એવા ખેડા-તારાપુર સ્ટેટ હાઈવે પર ખેડા શહેર નજીક શેઢી નદી આવેલી છે. આ શેઢી નદી પર વર્ષો જૂનો બ્રિજ આવેલો છે, જેના પરથી દૈનિક હજારો નાના-મોટા વાહનો પસાર થાય છે. જોકે, લાંબા સમયથી યોગ્ય જાળવણીના અભાવે અને સમય જતાં આ બ્રિજ અત્યંત જર્જરિત અને ભયજનક હાલતમાં ફેરવાઈ ગયો હતો.
ખેડા-તારાપુર હાઈવેના વાહનચાલકો માટે મહત્વના સમાચાર
સ્થાનિકો અને વાહનચાલકો દ્વારા આ જર્જરિત બ્રિજ અંગે રજૂઆતો કરવામાં આવ્યા બાદ માર્ગ અને મકાન વિભાગ તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી હતી. તપાસના અંતે સુરક્ષાના કારણોસર આ જૂના બ્રિજને તોડી પાડીને તેની જ જગ્યાએ તમામ સુવિધાયુક્ત નવો બ્રિજ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બ્રિજને તોડી પાડવાની અને નવા બ્રિજના નિર્માણની પ્રક્રિયા માટે કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર દ્વારા ટૂંક સમયમાં જ બ્રિજ બંધ કરવા અંગેનું સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે.
