ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં આવેલા ચિતલાવ ગામેથી પસાર થતી મહી કેનાલ પરનો ઓવરબ્રિજ અચાનક ધડાકાભેર ધરાશાયી થતાં સમગ્ર પંથકમાં ભારે ખળભળાટ મચી ગયો છે.વહેલી સવારે બનેલી આ ઘટના સમયે સદનસીબે પૂરી અવરજવર શરૂ ન થઈ હોવાથી એક મોટી દુર્ઘટના ટળી હતી અને કોઈ જાનહાનિ નોંધાઈ નહોતી.પ્રાથમિક માહિતી અનુસાર મહી કેનાલમાં પાણીનું સ્તર અચાનક વધવાના કારણે જર્જરિત બ્રિજ પાણીના પ્રવાહ અને સડન દબાણને સહન ન કરી શકતાં કડાકાભેર ધરાશાયી થઈ ગયો હતો.પાદરાના ગંભીરા બ્રિજ બાદ આ બિર્જ ધરાશાયી થતાં અનેક સવાલો ઉભા થયાં છે.
પ્રાથમિક રિપોર્ટ તૈયાર કરીને ઉચ્ચ કક્ષાએ મોકલાયો
ઠાસરાના ચિતલાવથી સરદારપુરાને જોડતો બ્રિજ ધરાશાયી થવાની ઘટના બાદ સ્થાનિક તંત્ર હરકતમાં આવ્યું છે.બનાવની ગંભીરતાને ધ્યાને રાખી ડેપ્યુટી કલેક્ટર કરણ પ્રજાપતિ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને સમગ્ર મામલે પરિસ્થિતિની સમીક્ષા કરી મીડિયાને પ્રતિક્રિયા આપી હતી.તેમણે જણાવ્યું હતું કે, માટીનું ધોવાણ થવાના કારણે આ બ્રિજ બેસી ગયો છે.આ ધરાશાયી થયેલા બ્રિજનું નવનિર્માણ કરવા માટે માર્ગ અને મકાન પંચાયત વિભાગ દ્વારા અગાઉ જાન્યુઆરી મહિનામાં જ દરખાસ્ત મોકલી આપવામાં આવી હતી.સમગ્ર ઘટના અંગેનો પ્રાથમિક રિપોર્ટ તૈયાર કરીને ઉચ્ચ કક્ષાએ મોકલી દેવાયો છે.
