ખેડા જિલ્લા સહિત મધ્ય ગુજરાત માટે અષાઢી ચોમાસું આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે. ખેડા જિલ્લામાં પડેલા સાર્વત્રિક વરસાદ અને ઉપરવાસના પંથકોમાં વરસેલા અનરાધાર વરસાદના કારણે મધ્ય ગુજરાતની જીવાદોરી સમાન વણાંકબોરી ડેમમાં પાણીની વિપુલ આવક નોંધાઈ છે.
વણાંકબોરી ડેમમાં પાણીની વિપુલ આવક
ઉપરવાસમાંથી સતત 7 ક્યુસેક પાણીની આવક થવાના લીધે વણાંકબોરી ડેમનું જળસ્તર વધીને 222.5 ફૂટે પહોંચી ગયું છે, જેના પરિણામે ડેમ દોઢ ફૂટ જેટલો ઓવરફ્લો થઈ રહ્યો છે. ડેમની મનમોહક અને રમણીય ઓવરફ્લો થતી ચાદર જોવા માટે આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે.
વડોદરા અને સેંકડો ગામડાંઓ માટે પાણીની ચિંતા દૂર
વણાંકબોરી ડેમ માત્ર ખેતી માટે જ નહીં પરંતુ પીવાના પાણી માટે પણ અત્યંત મહત્વનો સ્ત્રોત છે. આ જળાશયમાંથી વડોદરા શહેર ઉપરાંત ખેડા અને આણંદ જિલ્લાના સેંકડો ગામોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. ડેમ સંપૂર્ણ ભરાઈને ઓવરફ્લો થતાં આગામી સમગ્ર વર્ષ દરમિયાન પીવાના પાણી અને સિંચાઈની કોઈ તંગી રહેશે નહીં, જેને પગલે ધરતીપુત્રો અને સ્થાનિક નાગરિકોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે.
મહીસાગર નદી બંને કાંઠે ખળખળ વહેતી થઈ
ડેમ ઓવરફ્લો થતાં જ પવિત્ર મહીસાગર નદી બંને કાંઠે ખળખળ વહેતી થઈ છે. નદીમાં પાણીનું વહેણ વધતાં વહીવટી તંત્ર દ્વારા મહીસાગર નદીના કાંઠે આવેલા ખેડા અને આસપાસના નીચાણવાળા ગામોના રહીશોને સાવચેત રહેવા અને નદીના પટમાં ન જવાની સામાન્ય સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચો: Valsad: ધારણમાળ ગામે ભારે વરસાદથી ડુંગર ફાટ્યો, અંદાજે 5 કિલોમીટર સુધીનો પહાડી વિસ્તાર પ્રભાવિત