પેટલાદ શહેરમાં ધર્મજ ચોકડી જવાના મુખ્ય માર્ગ ઉપર પેટ્રોલ પંપથી જોગણ નહેર વચ્ચે ગઈકાલે સાંજના સમયે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો.આ માર્ગ પરથી પસાર થઈ રહેલી બાઈકને કોઈ અજાણ્યા વાહને જોરદાર ટક્કર મારતાં બાઇકસવાર મહિલા કિરણબેનનું કરુણ મોત નીપજ્યું હતું.જ્યારે બાઇક ચાલકને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી.અકસ્માત સર્જીને નાસી છૂટેલા અજાણ્યા વાહનની ભાળ મેળવવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

વાહનચાલક ટક્કર મારીને સ્થળ પરથી ફરાર

પેટલાદ શહેરના માર્ગો પર વાહન વ્યવહારની સતત અવરજવર રહેતી હોય છે.તેવામાં પેટલાદથી ધર્મજ ચોકડી તરફ જવાના માર્ગ ઉપર આવેલા પેટ્રોલ પંપ નજીક એક અત્યંત ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે.પેટલાદથી ધર્મજ ચોકડી જવાના માર્ગ પર પેટ્રોલ પંપથી જોગણ નહેર વચ્ચેના વિસ્તારમાંથી બાઈક પસાર થઈ રહી હતી. તે સમયે સાંજના સુમારે માર્ગ પરથી પસાર થઈ રહેલા એક અજાણ્યા વાહને બાઈકને જોરદાર ટક્કર મારી દીધી હતી.અજાણ્યા વાહનની આ ટક્કર એટલી જોરદાર હતી કે બાઇક પર સવાર લોકો માર્ગ પર પટકાયા હતા.અજાણ્યો વાહનચાલક ટક્કર મારીને સ્થળ પરથી આગળ નીકળી ગયો હતો.

બાઈક ચાલકને સારવાર હેઠળ ખસેડાયો

પેટ્રોલ પંપ નજીક બનેલી આ અકસ્માતની દુર્ઘટનામાં બાઇક પર સવાર કિરણબેનને શરીરના ભાગે જીવલેણ અને ગંભીર ઇજાઓ પહોંચી હતી.જ્યારે બાઈક ચાલક સ્વપ્નિલભાઈને પણ શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઇજાઓ થઈ હતી.અકસ્માતનો જોરદાર અવાજ થતાં જ આસપાસના માર્ગ પરથી પસાર થતા રાહદારીઓ અને સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.લોકોએ એકઠા થઈને તાબડતોબ બંને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવાની તજવીજ શરૂ કરી હતી.ગંભીર રીતે ઘવાયેલા કિરણબેનને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.સિવિલ હોસ્પિટલ ખાતે ફરજ પર હાજર રહેલા તબીબે કિરણબેનને તપાસીને તેમને મૃત જાહેર કર્યા હતા.ગંભીર રીતે ઘવાયેલા સ્વપ્નિલભાઈને પણ વધુ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

પોલીસ તંત્ર પણ તાત્કાલિક હરકતમાં આવ્યું હતું

આ ગંભીર માર્ગ અકસ્માત અંગેની જાણ થતાં જ પોલીસ તંત્ર પણ તાત્કાલિક હરકતમાં આવ્યું હતું. પેટલાદથી ધર્મજ ચોકડી માર્ગ ઉપર પેટ્રોલ પંપ અને જોગણ નહેર વચ્ચે સર્જાયેલા આ અકસ્માત મામલે પેટલાદ શહેર પોલીસ મથક ખાતે વિધિવત ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ સમગ્ર બનાવ સંદર્ભે માણેજ ગામના રહીશ અશોકભાઈ ઠાકોર દ્વારા પેટલાદ શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. અશોકભાઈ ઠાકોરની આ ફરિયાદના આધારે પેટલાદ શહેર પોલીસે કાયદેસરનો ગુનો નોંધીને ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. અકસ્માત સર્જીને નાસી છૂટેલા અજાણ્યા વાહનની ભાળ મેળવવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચોઃ Ahmedabad News : નવા વર્ષની ઉજવણી વચ્ચે લોહિયાળ કાંડ, કાગડાપીઠમાં યુવકની તીક્ષ્ણ હથિયારે હત્યા