સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા પંથકમાં ગણેશ વિસર્જન પર્વની ઉજવણી વચ્ચે એક અત્યંત દુઃખદ અને કરૂણ બનાવ સામે આવ્યો છે. હરણાવ નદીમાં ગણપતિ વિસર્જન કરવા ગયેલો એક યુવાન અચાનક ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતાં તેનું કરૂણ મોત નીપજ્યું છે. વિસર્જનના આણંદ અને ઉલ્લાસ વચ્ચે બનેલી આ ઘટનાથી સમગ્ર ખેડબ્રહ્મા ટાઉનમાં ભારે અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું છે.
હરણાવ નદીના ઝૂલતા પુલ નજીક બની ઘટના
આ કરૂણ બનાવ ખેડબ્રહ્મા શહેરના હરણાવ નદીના પટમાં આવેલા ઝૂલતા પુલ નજીક, ઠાકોરવાસની સામેના ભાગે બન્યો હતો. 18 વર્ષીય વિપિન જગદીશકુમાર બારોટ નામનો યુવક અન્ય શ્રદ્ધાળુઓ સાથે ગણેશ વિસર્જન માટે નદીએ ગયો હતો. વિસર્જનની પ્રક્રિયા દરમિયાન યુવકનો પગ લપસતાં કે પાણીના ઊંડાણનો તાગ ન મળતાં તે ધસમસતા પાણીમાં ડૂબવા લાગ્યો હતો.
