સતલાસણા-ખેરાલુ હાઈવે પર મોડી રાત્રે કાળજું કંપાવી દેનારો ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. સતલાસણા તાલુકાના શાહુપુરા કંપા નજીક રસ્તાની સાઈડમાં ઊભેલા એક ડમ્પર પાછળ પૂરપાટ ઝડપે આવી રહેલું અન્ય એક ડમ્પર ધડાકાભેર ઘૂસી જતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. અકસ્માત એટલો ભીષણ હતો કે પાછળથી ટકરાયેલા ડમ્પરના આગળના કેબિનનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને ડ્રાઈવર લોખંડના દબાયેલા પતરાં વચ્ચે ખરાબ રીતે ફસાઈ ગયો હતો. સ્થાનિક લોકો અને રાહદારીઓએ પતરાં કાપીને આશરે 30 મિનિટ સુધી દિલધડક રેસ્ક્યુ ઓપરેશન ચલાવી ડ્રાઈવરને લોહીલુહાણ હાલતમાં જીવતો બહાર કાઢ્યો હતો.
ધડાકાભેર અવાજ થતાં આસપાસના લોકો દોડી આવ્યા
હાઈવે પર મધરાતે સર્જાયેલી આ હોનારતની ચોંકાવનારી વિગતો, સતલાસણા-ખેરાલુ હાઈવે પર શાહુપુરા કંપા પાસે એક ભારેખમ ડમ્પર ઊભું હતું.તે દરમિયાન પાછળથી બેફામ ગતિએ ધસી આવેલા અન્ય ડમ્પરના ચાલકે કાબૂ ગુમાવતાં તે સીધું જ ઊભેલા ડમ્પરના પાછળના ભાગમાં ધડાકાભેર અથડાયું હતું.વિસ્ફોટ જેવો પ્રચંડ અવાજ આવતાં જ આસપાસના ગ્રામજનો, કંપાના રહીશો અને હાઈવે પરથી પસાર થતા અન્ય વાહનચાલકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
