ગીર સોમનાથ જિલ્લામાંથી અકસ્માતની વધુ એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. કોડીનારથી ઉના તરફ જતા મુખ્ય હાઈવે પર રાત્રીના 11 વાગ્યા પછી અંધકારના સમયે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર, કોડીનાર તાલુકાના દેવળી ગામના ઓલેશ્વર વિસ્તાર નજીકથી બાઈક પર સવાર થઈને બે યુવાનો પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન અચાનક જ રોડની વચ્ચે રખડતું પશુ આવી ચઢ્યું હતું, જેના કારણે પૂરઝડપમાં જતું બાઈક પશુ સાથે ધડાકાભેર અથડાઈ ગયું હતું.
એક યુવકનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત
આ અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈક પર સવાર બંને યુવાનો ફંગોળાઈને રોડ પર પટકાયા હતા. આ દુર્ઘટનામાં દેવળી ગામના રહેવાસી એક યુવકનું ગંભીર ઇજાઓને કારણે ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે તેની સાથે રહેલો અન્ય એક યુવક ગંભીર રીતે ઘાયલ થઈ ગયો હતો અને હાલ તે કોમામાં સરી પડ્યો હોવાનું જાણવા મળ્યું છે. યુવાનના અચાનક મોતના સમાચારથી તેના પરિવારમાં માતમ છવાઈ ગયો છે અને સમગ્ર પંથકમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
