કચ્છના પ્રખ્યાત પ્રવાસન સ્થળ માંડવી બીચ પરથી એક રાહતના સમાચાર સામે આવ્યા છે, જ્યાં સ્થાનિક યુવકોની સમયસૂચકતા અને બહાદુરીના કારણે એક મોટી દુર્ઘટના ટળી ગઈ છે. બીચ પર દરિયાના પાણીમાં ન્હાવા પડેલા બે યુવકો અચાનક ઊંડા પાણીમાં ગરકાવ થઈ ડૂબવા લાગ્યા હતા. જો કે, ત્યાં હાજર સ્થાનિક લોકોએ તાત્કાલિક એક્શન લીધા હતા અને બંને યુવાનોને મોતના મુખમાંથી હેમખેમ બહાર કાઢી લીધા હતા.
ન્હાવા પડેલા યુવકોનું ટ્યુબની મદદથી કરાયું રેસ્ક્યુ
માંડવી દરિયાકિનારે ફરવા આવેલા બે પ્રવાસી યુવકો મોજમસ્તી સાથે દરિયાના પાણીમાં ન્હાવા માટે ઉતર્યા હતા. પરંતુ દરિયાના મોજાં અને પાણીના જોરદાર પ્રવાહને કારણે બંને યુવાનો અચાનક સંતુલન ગુમાવી બેઠા હતા અને જોતજોતામાં ઊંડા પાણીમાં ડૂબવા લાગ્યા હતા. યુવકોને ડૂબતા જોઈને કિનારે ઉભેલા લોકોમાં ભારે ચીસાચીસ અને દોડધામ મચી ગઈ હતી. આ કટોકટીની પળોમાં સ્થાનિકોએ સમય ગુમાવ્યા વગર ટ્યુબની મદદથી તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી.
