ભાવનગરમાં સર્જાયેલા દર્દનાક લઠ્ઠાકાંડ બાદ સમગ્ર રાજ્યનું પોલીસ તંત્ર દેશી-વિદેશી દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર દરોડા પાડી રહ્યું છે. તેવામાં પૂર્વ કચ્છના આદિપુર શહેરમાંથી એક અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આદિપુરના ૪-એ (4-A) વિસ્તારમાં આવેલી એક દુકાનમાં ગુપ્ત રીતે ચાલતી નકલી વિદેશી દારૂ બનાવવાની મિની ફેક્ટરી ભુજ સાયબર સેલે ઝડપી પાડી છે.

દુકાનમાં ચાલી રહેલી નકલી દારૂની ફેક્ટરી પર દરોડો

સાયબર સેલની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે આદિપુરની એક દુકાનમાં બ્રાન્ડેડ દારૂના નામે કેમિકલ અને આલ્કોહોલ મિશ્રિત નકલી દારૂ બનાવી તેનું પેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડતાં સ્થળ પર નામાંકિત બ્રાન્ડના ક્વાર્ટરમાં નકલી દારૂ ભરવાનું મોટું કૌભાંડ સામે આવ્યું હતું.દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂ ભરેલા 600 ક્વાર્ટર અને પેકિંગ માટે રાખવામાં આવેલા 9,000 જેટલા ખાલી ક્વાર્ટર કબ્જે કર્યા છે. આ ઉપરાંત આલ્કોહોલ ભરેલી ડોલ, બોટલ સીલ કરવાના મશીનો તેમજ અન્ય કાચો માલ-સામાન મળી મોટો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે.

2 ઈસમોની પોલીસે અટકાયત કરી લીધી

દરોડા દરમિયાન દુકાનની અંદર નકલી દારૂનું ઉત્પાદન અને પેકિંગ કરી રહેલા 2 ઈસમોની પોલીસે સ્થળ પરથી જ અટકાયત કરી લીધી છે.આલ્કોહોલ અને ખાલી બોટલો તેમજ બોગસ લેબલ ક્યાંથી લાવવામાં આવ્યા હતા તે દિશામાં ભુજ સાયબર સેલે પૂછપરછ હાથ ધરી છે. આદિપુર પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ અને જાતે નકલી દારૂ બનાવી લોકોના જીવ જોખમમાં મૂકવાની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરાઈ છે.

 આ પણ વાંચો: Morbi: મિતાણા પાસે 40 વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલ બસમાં આગ, બાળકોનો બચાવ