કચ્છ જિલ્લામાં ગેરકાયદે ખનીજ ખનન અને વહન કરનારા તત્વો હવે બેફામ બન્યા હોય તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ભુજ નજીક બાતમીના આધારે રેડ કરવા ગયેલી ખનીજ વિભાગની ફ્લાઈંગ સ્કોડની ટીમ અને રેતી ભરેલા એક ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હોવાની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં સરકારી વાહનને મોટું નુકસાન પહોંચ્યું છે.


બાતમીના આધારે પીછો કરતાં સર્જાયો અકસ્માત

ઘટનાની મળતી માહિતી અનુસાર, ખનીજ વિભાગની ફ્લાઈંગ સ્કોડની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, એક ટ્રક ગેરકાયદે રેતી ભરીને પસાર થઈ રહ્યો છે. આ બાતમીના આધારે ટીમે વોચ ગોઠવીને ટ્રકનો પીછો કરવાનું શરૂ કર્યું હતું. ફ્લાઈંગ સ્કોડની ગાડી પાછળ જ હોવાનું જોઈને ટ્રક ચાલકે સરકારી અધિકારીઓને મૂંઝવણમાં મૂકવા અને નુકસાન પહોંચાડવાના ઈરાદાથી રસ્તાની વચ્ચે જ અચાનક જોરદાર બ્રેક મારી દીધી હતી.

સરકારી વાહનને નુકસાન, ચાલક ફરાર

ટ્રક ચાલકે અચાનક બ્રેક મારતા પાછળ આવી રહેલી ફ્લાઈંગ સ્કોડની સરકારી ગાડી સીધી ટ્રકના પાછળના ભાગે અથડાઈ પડી હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે, સરકારી વાહનના આગળના ભાગને ભારે નુકસાન થયું હતું. અકસ્માત સર્જીને ટ્રક ચાલક પોતાના વાહન સાથે ઘટના સ્થળેથી ફરાર થઈ જવામાં સફળ રહ્યો હતો.

પોલીસ કાર્યવાહી

આ સમગ્ર મામલે ફ્લાઈંગ સ્કોડની ટીમે તાત્કાલિક માધાપર પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. સરકારી ફરજમાં રૂકાવટ ઊભી કરવા તેમજ નુકસાન પહોંચાડવા બદલ ટ્રક ચાલક સામે સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે. માધાપર પોલીસે ગુનો નોંધીને ફરાર થઈ ગયેલા ટ્રક ચાલક અને તેના વાહનની શોધખોળ માટે અલગ-અલગ દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે. ખનીજ માફિયાઓના આ પ્રકારના આક્રમક વલણને પગલે સ્થાનિક પંથકમાં ચર્ચા જાગી છે.


આ પણ વાંચો - Adipur-Bhuj Rail Projectના ડબલિંગ માટે 493 કરોડ મંજૂર, કચ્છના વિકાસની રફ્તાર વધશે


  • Follow us on: