કચ્છ જિલ્લો ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા પર સ્થિત અત્યંત સંવેદનશીલ વિસ્તાર છે. પશ્ચિમ કચ્છ-ભુજ તેમજ પૂર્વ કચ્છ-ગાંધીધામના સાગરકાંઠે માનવ વસાહત રહિત 21 જેટલા ટાપુઓ અને રોક (ખડકો) આવેલા છે. આમાંથી કેટલાંક નિર્જન ટાપુઓ પર ધાર્મિક સ્થળો આવેલા હોવાથી વિવિધ પ્રસંગોએ અને દર્શનાર્થે લોકોની અવરજવર રહેતી હોય છે.

કચ્છના 21 ટાપુઓ પર અવરજવર પર પ્રતિબંધ 

પરંતુ, રાષ્ટ્રવિરોધી તત્વો, અસામાજિક બળો અને સમુદ્રી માર્ગે દાણચોરી કરનાર ઈસમો આ નિર્જન ટાપુઓનો આશ્રયસ્થાન તરીકે ઉપયોગ કરે અથવા ત્યાં ગેરકાયદે હથિયારો અને નશાકારક પદાર્થોનો જથ્થો છુપાવે તેવી ગંભીર શક્યતાઓ રહેલી છે.આ પરિસ્થિતિને ધ્યાને રાખીને પશ્ચિમ કચ્છ-ભુજ નાયબ પોલીસ મહાનિરીક્ષક અને પૂર્વ કચ્છ-ગાંધીધામ પોલીસ અધિક્ષકશ્રી દ્વારા રજૂ કરવામાં આવેલી દરખાસ્તના આધારે અગાઉના પ્રતિબંધાત્મક આદેશની મુદત પૂર્ણ થતાં જ નવું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

જાહેરનામાનું પાલન કરવા અપીલ

કચ્છ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પાર્થ કોટડીયા દ્વારા પ્રસિદ્ધ કરાયેલ આ આદેશ તા. 27/09/2026 સુધી અમલમાં રહેશે. જો કોઈ વ્યક્તિ આ જાહેરનામાનો ભંગ કરશે તો તેની સામે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-223 હેઠળ કાયદેસરની સજાત્મક કાર્યવાહી કરવામાં આવશે.આ જાહેરનામામાંથી રાજ્ય કે કેન્દ્ર સરકારની સુરક્ષા એજન્સીઓ અને સરકારી ફરજ પરના કર્મચારીઓને મુક્તિ આપવામાં આવી છે. સામાન્ય નાગરિકો કે અન્ય હેતુઓ માટે પ્રવેશની ખાસ મંજૂરી આપવાની સત્તા પશ્ચિમ કચ્છ અને પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષકશ્રી (SP) તેમજ સંબંધિત સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટશ્રીઓ (SDM) ને સોંપવામાં આવી છે.

આ પણ વાંચો: Surat: MLA કાંતિ બલરની ઓફિસમાં ભાજપના કોર્પોરેટરો વચ્ચે ઝપાઝપી, પ્રદેશ પ્રમુખ સુધી પહોંચ્યો મામલો