કચ્છ જિલ્લામાંથી સાયબર ક્રાઈમને લગતી એક અત્યંત ચોંકાવનારી અને મોટાપાયે આચરેલી ઠગાઈની ઘટના સામે આવી છે. પૂર્વ કચ્છ પોલીસે સાયબર માફિયાઓ સામે એક મેગા ઓપરેશન હાથ ધરીને રૂ.8.46 કરોડના ભારી-ભરખમ સાયબર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આ સમગ્ર કૌભાંડના તાર કચ્છથી લઈને દેશના અલગ-અલગ 9 રાજ્યો સુધી ફેલાયેલા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પૂર્વ કચ્છ પોલીસની સરાહનીય કામગીરીથી સાયબર ઠગોના આખા નેટવર્કમાં હડકંપ મચી ગયો છે.
યશ બેંકના ખાતામાંથી કરોડોની ઉચાપત, 211 શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન ઝડપાયા
પ્રાપ્ત વિગતો અનુસાર સાયબર ઠગોએ અત્યાધુનિક મોડસ ઓપરેન્ડી અપનાવીને યશ બેંકના ખાતામાંથી કરોડો રૂપિયાની ઉચાપત કરી હતી. આ કૌભાંડમાં કુલ 211 જેટલા શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા હતા અને કુલ રૂ.8.46 કરોડની માતબર રકમની ઓનલાઈન છેતરપિંડી આચરવામાં આવી હતી. પૂર્વ કચ્છ પોલીસ દ્વારા ટેક્નિકલ સર્વેલન્સ અને કાયદાકીય તપાસના આધારે દેશભરમાં ફેલાયેલા આ નેટવર્કની કડીઓ મેળવવામાં આવી હતી.
