કચ્છના રણ અને ઘાસિયા મેદાનોમાંથી સાવ લુપ્ત થવાના આરે ઉભેલા મહાકાય પક્ષી 'ઘોરાડ' (ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ)ના સંવર્ધન અને સંરક્ષણને લઈને એક અત્યંત હર્ષભર્યા સમાચાર સામે આવ્યા છે. વન વિભાગ અને સંશોધકોની રાત-દિવસની સખત મહેનત બાદ, કૃત્રિમ રીતે સેવવામાં આવેલા ઘોરાડના એક નાજુક બચ્ચાએ તેના જીવનના સૌથી કટોકટીભર્યા અને મહત્વપૂર્ણ એવા પ્રથમ ૪૦ દિવસ સફળતાપૂર્વક પૂર્ણ કરી લીધા છે. વૈજ્ઞાનિકોના મતે આ પક્ષીના અસ્તિત્વને ટકાવી રાખવા માટે આ એક ખૂબ જ મોટી સિદ્ધિ છે.

GIBના બચ્ચાના જીવનના પ્રથમ 40 દિવસ પૂર્ણ

આ અભૂતપૂર્વ સફળતા વન વિભાગ દ્વારા ચલાવવામાં આવી રહેલી વન્યજીવ સંરક્ષણની 'બીજી જમ્પ સ્ટાર્ટ પહેલ' (Second Jump Start Initiative) અંતર્ગત મળી છે. આ ખાસ પ્રોજેક્ટ હેઠળ અત્યંત વૈજ્ઞાનિક પદ્ધતિથી અને કડક દેખરેખ હેઠળ ઈંડાનું બ્રિડિંગ કરીને આ બચ્ચાનો ઉછેર કરવામાં આવી રહ્યો છે. પક્ષી નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ઘોરાડના નવજાત બચ્ચા માટે શરૂઆતના દિવસો ભારે જોખમી હોય છે, પરંતુ વન વિભાગની અત્યાધુનિક તકનીકી અને તકેદારીના કારણે આ મહત્વપૂર્ણ સીમાચિહ્ન પાર કરી શકાયો છે.

લુપ્ત થતી પ્રજાતિને બચાવવા માટે મળી સંજીવની

વિશ્વભરમાં જેની સંખ્યા આંગળીના વેઢે ગણાય એટલી જ બચી છે તેવા આ પ્રજાતિના પક્ષીને પૃથ્વી પરથી સાવ નાબૂદ થતું બચાવવા માટે આ સફળતા એક 'સંજીવની બુટી' સમાન સાબિત થશે. વન વિભાગના ઉચ્ચ અધિકારીઓએ આ સફળતાને બિરદાવી છે અને આગામી સમયમાં કચ્છમાં ઘોરાડની વસ્તી ફરી વધશે તેવી દ્રઢ આશા વ્યક્ત કરી છે. આ ગૌરવપૂર્ણ સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ દેશ-વિદેશના પર્યાવરણવાદીઓ અને વન્યજીવ પ્રેમીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો