કચ્છ જિલ્લાના નલિયા-કોઠારા હાઇવે પરથી એક અત્યંત હૃદયદ્રાવક અને ભયાનક માર્ગ અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. હાઇવે પર આવેલા ભાનાળા ગામ પાસે બે ભારે માલવાહક બલ્કર વાહનો સામસામે પ્રચંડ વેગે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ટક્કર એટલી જોરદાર હતી કે અકસ્માત થતાંની સાથે જ બંને વાહનોમાં જોતજોતામાં વિકરાળ આગ ફાટી નીકળી હતી. આગની જ્વાળાઓ એટલી ઊંચી ઉઠી હતી કે બંને વાહનોના ચાલકો (ડ્રાઈવર) કેબિનમાં જ ફસાઈ જતાં આગની ચપેટમાં આવી ગયા હોવાની અને જીવતા ભડથું થઈ ગયા હોવાની ગંભીર આશંકા સેવાઈ રહી છે.
હાઇવે પર અફરાતફરી અને વાહનવ્યવહાર ઠપ્પ
આ ભયાનક અકસ્માતને પગલે નલિયા-કોઠારા હાઇવે પર ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા, જેને કારણે હાઇવે પર બંને તરફનો વાહનવ્યવહાર સંપૂર્ણપણે બ્લોક થઈ ગયો હતો. ઘટનાને પગલે હાઇવે પરથી પસાર થતા અન્ય વાહનચાલકોમાં ભારે અફરાતફરી અને દોડધામનો માહોલ સર્જાયો હતો. અકસ્માત એટલો કાળમુખો હતો કે આસપાસના ગ્રામીણ વિસ્તારના લોકો પણ મોટી સંખ્યામાં ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. જો કે, આગનું રૌદ્ર સ્વરૂપ એટલું ભયાનક હતું કે કોઈ પણ વ્યક્તિ વાહનોની નજીક જવાની હિંમત કરી શક્યું નહોતું.
