ગાંધીધામ અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સરકારી કિંમતી જમીનો પર ગેરકાયદે કબજા જમાવવાની પ્રવૃત્તિ સામે વહીવટી તંત્રએ લાલ આંખ કરી છે. ગાંધીધામના મહેસૂલ વિભાગ અને સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા સંયુક્ત રીતે અલગ-અલગ લોકેશનો પર એક મોટું જમીન સેનિટેશન ડ્રાઈવ (ડિમોલિશન) હાથ ધરવામાં આવ્યું હતું, જેનાથી સ્થાનિક ભુમાફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.


ગેરકાયદે બાંધકામો પર હથોડો

લાંબા સમયથી વહીવટી તંત્રને ફરિયાદો મળી રહી હતી કે ગાંધીધામ પંથકના શિનાઈ અને ભારાપર જેવા વિસ્તારોમાં કરોડો રૂપિયાની કિંમતી સરકારી અને ગૌચર જમીનો પર સ્થાનિક તત્વો દ્વારા આડેધડ કાચા-પાકા મકાનો, ઓરડીઓ અને કોમર્શિયલ શેડ ઉભા કરી દેવામાં આવ્યા છે. એટલું જ નહીં, શિનાઈ પાસે કાયદાકીય ઓથ મેળવવાના આશયથી એક ધાર્મિક દબાણ પણ ખડકી દેવાયું હતું. આ બાબતની ગંભીરતાને ધ્યાને રાખીને ગાંધીધામ મામલતદારની આગેવાની હેઠળ શનિ-રવિની મોડી રાત્રે જ ઓપરેશન પ્લાન કરવામાં આવ્યું હતું.

ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કરોડોની પ્રોપર્ટી મુક્ત

કોઈપણ પ્રકારનો સ્થાનિક વિરોધ કે અનિચ્છનીય ઘર્ષણ ન થાય તે માટે તંત્રએ ભારે પોલીસ ફોર્સ સાથે મોડી રાત્રે જેસીબી અને બુલડોઝરની એન્ટ્રી કરાવી હતી. ભારાપર વિસ્તારમાં જોતજોતામાં ૪૦ થી ૫૦ જેટલા કાચા-પાકા ગેરકાયદે આશરા અને દુકાનોના શેડ તોડી પાડવામાં આવ્યા હતા. આ સાથે શિનાઈ પાસે આવેલું ધાર્મિક અતિક્રમણ પણ કાયદાના દાયરામાં રહીને હટાવી દેવાયું હતું. વહીવટી અધિકારીઓના સત્તાવાર આંકડા મુજબ, આ ઓપરેશન દ્વારા અંદાજે 1.95 કરોડ રૂપિયાની બજાર કિંમત ધરાવતી મૂલ્યવાન સરકારી જમીન ભુમાફિયાઓના સકંજામાંથી મુક્ત કરાવી લેવામાં આવી છે અને ત્યાં સરકારી માલિકીના બોર્ડ મારવાની તજવીજ શરૂ કરાઈ છે.

આ પણ વાંચો: Vadodara: માંજલપુર પોલીસ મથકના મહિલા PSI અને ASI 10 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

  • Follow us on: