કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના સામખિયાળી ગામે આવેલા જંગી રોડ વિસ્તારમાં મોડી રાત્રે એક રહેણાંક મકાનમાં અચાનક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. મકાનમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આ આગ લાગી હતી. જોતજોતામાં આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લેતાં આસપાસના વિસ્તારમાં ભારે અફડાતફડી અને દોડધામ મચી ગઈ હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક એકઠા થઈને વહીવટી તંત્રને જાણ કરી હતી.

112 અને ફાયર બ્રિગેડની ટીમે હાથ ધર્યું રેસ્ક્યૂ

ઘટનાની જાણ થતાં જ ઇમરજન્સી સર્વિસ 112ની ટીમ અને ભચાઉ ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. ફાયર ફાઇટરોએ સતત એક કલાકની ભારે જહેમત અને પાણીના મારા બાદ આખરે આગ પર પૂર્ણ કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ ભયાનક અકસ્માતમાં કોઈ મોટી જાનહાનિ થવા પામી નથી, જેના કારણે તંત્ર અને સ્થાનિક રહીશોએ મોટી રાહતનો શ્વાસ લીધો છે.

80% જેટલી ઘરવખરી બળીને ખાખ

આગ એટલી આક્રમક હતી કે મકાનની અંદર રાખેલી આશરે 80% જેટલી ઘરવખરી, કિંમતી સામાન અને ફર્નિચર બળીને સંપૂર્ણપણે ખાખ થઈ ગયું છે. આકસ્મિક રીતે લાગેલી આગના કારણે પીડિત પરિવારને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. બનાવ અંગે સ્થાનિક પોલીસે પણ નોંધ લઈ આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો