કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (KASEZ) વિસ્તારમાં આવેલી ઈશા ઈમ્પેક્સ કંપનીમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી. પ્રાથમિક વિગતો મુજબ આ કંપનીમાં પ્લાસ્ટિકના દાણા બનાવવાની કામગીરી કરવામાં આવતી હતી, જેના કારણે આગ ઝડપથી પ્રસરી હોવાનું મનાય છે. ઘટનાને પગલે કંપની પરિસર અને આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા અને કામદારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ઇકોનોમિક ઝોનની ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી

બનાવની જાણ થતા જ ઇકોનોમિક ઝોનની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર જવાનોએ પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવા માટે સઘન કવાયત હાથ ધરી હતી. પ્લાસ્ટિક સંબંધિત સામગ્રી હોવાથી આગને વધુ ફેલાતી અટકાવવા અને આસપાસના એકમોને સુરક્ષિત રાખવા માટે ફાયર ટીમ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે.

આગના કારણ અને નુકસાન અંગે તપાસનો દોર

હાલ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવવા માટે ફાયર વિભાગની ટીમ સતત પ્રયત્નશીલ છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના પ્રાથમિક અહેવાલ નથી, પરંતુ કંપનીમાં રહેલા પ્લાસ્ટિકના દાણા અને મશીનરીને નુકસાન પહોંચ્યું હોવાની શક્યતા છે. આગ કયા કારણોસર લાગી અને કુલ કેટલું નુકસાન થયું છે, તે આગ સંપૂર્ણ બુઝાયા બાદ તપાસમાં સ્પષ્ટ થશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો