કચ્છ જિલ્લામાં રાત્રિથી શરૂ થયેલા ભારે વરસાદે સમગ્ર પંથકને પાણી પાણી કરી દીધું છે. ખાસ કરીને માંડવી તાલુકામાં સવારે 6 વાગ્યાથી અત્યાર સુધીમાં કુલ 7 ઈંચ જેટલો અનરાધાર વરસાદ ખાબક્યો છે, જેમાં સવારે 8 થી 10 ના માત્ર બે કલાકમાં જ 5 ઈંચ વરસાદ નોંધાયો હતો. આ મુસળધાર વરસાદના કારણે માંડવી-નલિયા રોડ પર આવેલા હરિ નગર, જોગીવાસ, લોહાણા બાળાશ્રમ અને પં. દીનદયાળ ઉપાધ્યાય ગ્રાઉન્ડ સહિતના નીચાણવાળા વિસ્તારોમાં ભારે જળબરાવ થતાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. માંડવી નગરપાલિકાના કન્ટ્રોલ રૂમ મુજબ મોસમનો કુલ વરસાદ 262 મિ.મી. સુધી પહોંચી ગયો છે.

Rain in Kutch in a violent form

અંજાર, આદિપુર અને ભુજમાં વાહનવ્યવહાર પ્રભાવિત

ભારે વરસાદના કારણે જિલ્લાના મુખ્ય માર્ગો અને શહેરી વિસ્તારોમાં ભારે હાલાકી સર્જાઈ છે. અંજારમાં ગાયત્રી ચાર રસ્તે પાણી ભરાતા એક ટ્રેલર ખાડામાં ધસી ગયું હતું, જ્યારે અંજાર રેલવે અંડરપાસ બ્રિજમાં પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર સતાપર ફાટક તરફ ડાયવર્ટ કરવો પડ્યો છે. આ ઉપરાંત, ભુજ-મુન્દ્રા રોડ પર નવા બની રહેલા બ્રિજ પાસે પાણી ભરાતાં રસ્તો અવરોધાયો છે. આદિપુરમાં રામબાગ હોસ્પિટલ નજીકનો મુખ્ય રોડ બેસી જતાં અને વિવિધ સોસાયટીઓમાં રોડ-રસ્તા તૂટી જતાં કોર્પોરેશનની નબળી કામગીરી સામે આવી છે. ગાંધીધામના સિનોય ગામની વૃંદાવન સોસાયટીના ઘરોમાં પાણી ભરાઈ જતાં લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.

Rain in Kutch in a violent form

કેનાલમાં ભંગાણ અને નદી-તળાવોમાં નવા નીર

એક તરફ નદી-તળાવોમાં નવા પાણીની આવક થતાં અને લાંબા સમય બાદ સારો વરસાદ પડતાં ખેડૂતોમાં આનંદનો માહોલ છે, તો બીજી તરફ મોટી દુર્ઘટનાઓ પણ સામે આવી છે. નર્મદા બ્રાંચ કેનાલ અંતર્ગત વાંઢિયા બ્રાન્ચ કેનાલમાં ભચાઉના જંગી પાસે અને સામખિયાળીના કાંઠા વિસ્તારમાં બે જગ્યાએ ભંગાણ પડ્યું છે. 9 વર્ષ જૂની કેનાલમાં યોગ્ય જાળવણીના અભાવે પડેલા આ ભંગાણના કારણે કેનાલના પાણી આસપાસના ખેતરોમાં ઘૂસી ગયા છે, જેનાથી પાકને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

Rain in Kutch in a violent form

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો