કચ્છના સંવેદનશીલ ગણાતા જખૌ દરિયાઈ વિસ્તારમાં મરીન કમાન્ડો દ્વારા મોડી રાતથી જ સઘન ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. દરિયાઈ સરહદ પર સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવાના ભાગરૂપે કમાન્ડોની ટીમો દ્વારા સીધોડી બીચથી લઈને શિયાળબારી સુધીના સમગ્ર દરિયાઈ વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. દેશની દરિયાઈ સીમાઓ પર અસામાજિક કે શંકાસ્પદ પ્રવૃત્તિઓ અટકાવવા માટે મરીન પોલીસ અને કમાન્ડો દ્વારા સુરક્ષા કોર્ડન કડક કરી દેવામાં આવ્યો છે.

Security cordon along the maritime border of Kutch

જખૌ બંદર અને ખીદરત ટાપુ સહિતના વિસ્તારોમાં બોટ ચકાસણી

સુરક્ષા એજન્સીઓ દ્વારા અલગ-અલગ ટીમો બનાવીને જખૌ બંદર, યક્ષ મંદિર, ખીદરત ટાપુ તથા ભારતસોલ્ટ સહિતના વ્યૂહાત્મક રીતે મહત્વના દરિયાઈ વિસ્તારોમાં તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. મરીન કમાન્ડોની ટીમોએ દરિયામાં ઊંડે સુધી જઈને માછીમારી કરી રહેલી તમામ બોટોનું ઊંડાણપૂર્વક ચકાસણી (બોટ ચેકિંગ) હાથ ધર્યું હતું. બોટમાં સવાર માછીમારોના આઈડી કાર્ડ તથા જરૂરી દસ્તાવેજોની પણ ચકાસણી કરવામાં આવી રહી છે.

Security cordon along the maritime border of Kutch

શંકાસ્પદ બોટ કે અજાણ્યા વ્યક્તિઓ અંગે માછીમારોને એલર્ટ કરાયા

આ વિશેષ ચેકિંગ ઝુંબેશ દરમિયાન મરીન કમાન્ડો દ્વારા સ્થાનિક માછીમારોને સુરક્ષા અંગે ખાસ સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. દરિયામાં કામગીરી કરતી વખતે જો કોઈ શંકાસ્પદ બોટ, બિનવારસી વસ્તુ કે અજાણ્યા વ્યક્તિઓ નજરે પડે તો તાત્કાલિક ધોરણે સુરક્ષા એજન્સીઓ અને કોસ્ટ ગાર્ડને જાણ કરવા માટે જણાવવામાં આવ્યું છે. દેશની દરિયાઈ સુરક્ષા ચાંપતી રાખવા માટે તંત્ર દ્વારા આ પ્રકારનું ચેકિંગ સતત ચાલુ રાખવામાં આવશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો