કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના વડવા કાંયાની સીમમાં ગેરકાયદેસર વિદેશી દારૂનું કટિંગ થઈ રહ્યું હોવાની ચોક્કસ બાતમીના આધારે લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ની ટીમે દરોડો પાડીને દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. ટ્રકમાં જવના ભૂંસા અને પ્લાસ્ટિકના દાણાના વેસ્ટની આડમાં સંતાડીને લાવવામાં આવેલી વિદેશી દારૂની 7,740 બોટલ (કિંમત રૂ.38.52 લાખ) અને 7,680 બિયરના ટીન (કિંમત રૂ.9.60 લાખ) મળી કુલ રૂ.48.12 લાખનો શરાબ જપ્ત કરવામાં આવ્યો છે. દરોડા દરમિયાન દારૂ મંગાવનાર સ્થાનિક બુટલેગર જીતીયા સોઢાનું નામ ખુલ્લું પડ્યું છે.

પોલીસને જોઈને કારચાલકો ફરાર

LCBની ટીમે દરોડો પાડતાં જ દારૂનું કટિંગ કરાવવા ક્રેટા અને સ્વિફ્ટ કારમાં આવેલા શખ્સો પોલીસ કાફલાને જોઈને અંધારાનો લાભ ઉઠાવી ભાગી છૂટ્યા હતા. પોલીસે સ્થળ પરથી રૂ.10 લાખની કિંમતનો ટ્રક, બાઈક અને દારૂ સહિત કુલ રૂ.58.37 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે નખત્રાણા પોલીસ મથકમાં પ્રોહિબિશનની વિવિધ કલમો હેઠળ ટ્રક ડ્રાઈવર, દારૂ મોકલનાર અને મંગાવનાર શખ્સો સામે ગુનો નોંધી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

બાડમેરથી પંજાબ થઈ કચ્છ પહોંચાડાયો હતો જથ્થો 

પોલીસ તપાસમાં બહાર આવેલા તથ્યો મુજબ, આ વિદેશી દારૂનો વિશાળ જથ્થો બાડમેરથી પંજાબ મારફતે પાલનપુર અને અમદાવાદ થઈને નખત્રાણાની સીમ સુધી પહોંચાડવામાં આવ્યો હતો. LCB PI એ.એમ. મકવાણા અને તેમની ટીમે આંતરરાજ્ય દારૂ તસ્કરીના રેકેટનો પર્દાફાશ કરીને ફરાર થઈ ગયેલા આરોપીઓ તેમજ દારૂ મંગાવનાર જીતીયા સોઢાને ઝડપી પાડવા માટે સઘન તપાસ અને નાકાબંધી શરુ કરી દીધી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો