કચ્છના રાપર તાલુકાના ગાગોદર પાસે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા છેલ્લા કેટલાક સમયથી ઓવરબ્રિજ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. વિસ્તારમાં વરસી રહેલા ચાલુ વરસાદ વચ્ચે પણ બ્રિજનું નિર્માણ કાર્ય જોરશોરથી ચાલુ રાખવામાં આવ્યું હતું. આ દરમિયાન અચાનક જ એક તરફનો મોટો હિસ્સો પત્તાના મહેલની જેમ ધડાકાભેર નીચે ધસી પડતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ હતી.
હાઈવે પર વાહનવ્યવહાર ઠપ્પ અને તંત્ર દોડતું થયું
બ્રિજનો આ મોટો ભાગ સીધો મુખ્ય રસ્તા પર જ તૂટી પડ્યો હતો. આ અકસ્માતને પગલે નેશનલ હાઈવે પરથી પસાર થતો વાહનવ્યવહાર તાત્કાલિક અસરથી સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો હતો. ઘટનાની ગંભીરતાને જોતાં સ્થાનિક પોલીસ અને હાઈવે ઓથોરિટીના ઉચ્ચ અધિકારીઓનો કાફલો તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગયો હતો. સદનસીબે આ દુર્ઘટના સમયે નીચે કોઈ વાહન ન હોવાથી મોટી જાનહાનિ ટળી ગઈ હતી અને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
