કચ્છ જિલ્લાના માંડવી પંથકમાંથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઊભા કરતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. માંડવીના લાયજા હાઈવે પર ધોળેદિવસે કેટલાક અસામાજિક તત્વો દ્વારા જાહેરમાં ઉગ્ર મારામારી કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ પંથકમાં ચકચાર મચી ગઈ છે. હાઈવે જેવા વ્યસ્ત માર્ગ પર બનેલી આ ઘટનાએ કાયદાના રક્ષકો અને પોલીસ તંત્રની ધાક સામે મોટા પ્રશ્નાર્થ ચિહ્નો મૂકી દીધા છે.
જાહેરમાં ગુંડાગીરીથી સ્થાનિકોમાં ફફડાટ અને ચર્ચાનો માહોલ
લાયજા હાઈવે પર બનેલી આ મારામારીની ઘટનાનો વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થતાં જ સ્થાનિક લોકોમાં ભારે ચર્ચા અને આક્રોશ જોવા મળી રહ્યો છે. વીડિયોમાં અસામાજિક તત્વો કોઈપણ જાતના ડર વગર બેફામ બનીને એકબીજા પર તૂટી પડતા દ્રશ્યમાન થાય છે. સામાન્ય નાગરિકોનો આક્ષેપ છે કે માંડવી અને તેની આસપાસના વિસ્તારોમાં આવા તત્વોનો આતંક સતત વધી રહ્યો છે, જેના કારણે હાઈવે પરથી પસાર થતા મુસાફરો અને સ્થાનિક રહીશોમાં પોતાની સુરક્ષાને લઈને ભારે ફફડાટ વ્યાપી ગયો છે.













