ગૌ-સંસ્કૃતિ અને ભારતીય પ્રાચીન પરંપરાઓના જતન માટે જાણીતા કચ્છ જિલ્લામાંથી એક અનોખી અને ઐતિહાસિક પહેલ સામે આવી છે. માંડવી તાલુકાના ગંગાપર ગામ સ્થિત ગૌશાળામાં દેશમાં સંભવતઃ સૌપ્રથમ વખત મહિલાઓ માટે વિશેષ ‘પંચગવ્ય ગોબર સ્નાન’ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. શારીરિક શુદ્ધિ, ચર્મરોગ નિવારણ તેમજ આધ્યાત્મિક ઉર્જા પ્રાપ્ત કરવાના હેતુથી યોજાયેલા આ કાર્યક્રમમાં ગામ તથા આસપાસના પંથકની ૪૫ જેટલી મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને ગૌ-આધારિત પંચગવ્ય સ્નાન કર્યું હતું.

ભારતમાં મહિલાઓ માટે પ્રથમવાર આયોજન

કચ્છ પંથકમાં છેલ્લા બે વર્ષથી પુરુષો માટે નિયમિતપણે ગોબર સ્નાન અને પંચગવ્ય સ્નાનના આયોજનો થતા આવ્યા છે.આ પરંપરામાં પ્રથમ વખત મહિલાઓ પણ આગળ આવી છે અને ભારતમાં પહેલીવાર માત્ર મહિલાઓ માટે આ પ્રકારનું સ્નાન આયોજિત કરાયું છે.ગંગાપર ગૌશાળા પરિસરમાં મહિલાઓ માટે વિશેષ ગોપનીય અને પવિત્ર વાતાવરણ ઊભું કરવામાં આવ્યું હતું, જેમાં વડીલોથી માંડીને યુવતીઓ સહિત કુલ 45 મહિલાઓએ જોડાઈને પંચગવ્યથી સ્નાન કર્યું હતું.

કેવી રીતે તૈયાર કરાયું પંચગવ્ય મિશ્રણ?

આ સ્નાન માટે શાસ્ત્રોક્ત વિધિ મુજબ દેશી ગાયના પાંચ પવિત્ર ઘટકોનું સપ્રમાણ મિશ્રણ તૈયાર કરવામાં આવ્યું હતું. દેશી ગાયનું તાજું છાણ (ગોબર), અર્કયુક્ત ગૌમૂત્ર, કાચું દૂધ, તાજું દહીં અને શુદ્ધ દેશી ઘી. આ તમામ ઘટકોને શાસ્ત્રોક્ત પદ્ધતિથી એકત્ર કરી આખા શરીર પર લેપ તરીકે લગાવવામાં આવ્યું હતું.મહિલાઓએ આ લેપ શરીર પર લગાવી સૂર્યપ્રકાશમાં થોડો સમય બેસી કુદરતી ઊર્જા ગ્રહણ કરી હતી અને ત્યારબાદ શુદ્ધ જળથી સ્નાન કર્યું હતું.

આયુર્વેદિક અને આધ્યાત્મિક મહત્વ

આયુર્વેદ અને સનાતન સંસ્કૃતિમાં પંચગવ્ય સ્નાનનું ખૂબ મોટું મહત્વ વર્ણવવામાં આવ્યું છે.પંચગવ્યથી સ્નાન કરવાથી શરીરના ટોક્સિન્સ (ઝેરી તત્વો) બહાર નીકળી જાય છે અને ચામડીના વિવિધ રોગો સામે રોગપ્રતિકારક શક્તિ વધે છે.આ કાર્યક્રમમાં જોડાયેલી મહિલાઓએ ગૌ-માતાનું મહત્વ જીવનમાં વધારવા અને કુદરતી ઔષધીય પદ્ધતિઓને અપનાવવાનો પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો.

આ પણ વાંચો: Jamnagar: ગરબા ગ્રાઉન્ડથી લઈને અવાવરૂ સ્થળો સુધી નાઇટ વિઝન ડ્રોનથી બાજ નજર, રોમિયોગીરી અને ગેરપ્રવૃત્તિઓ ડામવા પોલીસ સજ્જ