સામખીયાળી પોલીસ સ્ટેશનના સ્ટાફને એક બહુ મોટી સફળતા મળી છે. કચ્છમાં પ્રવેશતા માર્ગો પર સઘન ચેકિંગ દરમિયાન પોલીસે પંજાબના બે શખ્સોને આંતરરાષ્ટ્રીય બજારમાં ખૂબ ઊંચી કિંમત ધરાવતા હેરોઇન નામના ઘાતક ડ્રગ્સના જથ્થા સાથે રંગેહાથ દબોચી લીધા છે. પકડાયેલા આરોપીઓની ઓળખ દલીપસિંધ રસલસિંધ અને અક્ષય અશોક શર્મા (બંને રહેવાસી પંજાબ) તરીકે થઈ છે.
અથાણાના ડબ્બામાંથી નીકળ્યું મોતનું સગડ
પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમની ટીમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે પંજાબ તરફથી બે શખ્સો શંકાસ્પદ કેમિકલ કે ડ્રગ્સ સાથે કચ્છ તરફ આવી રહ્યા છે. આ બાતમીના આધારે સામખીયાળી હાઇવે પર વોચ ગોઠવવામાં આવી હતી. શંકાસ્પદ શખ્સોને અટકાવી જ્યારે તેમના સામાનની તલાશી લેવામાં આવી, ત્યારે પ્રથમ દ્રષ્ટિએ કંઈ વાંધાજનક મળ્યું ન હતું. પરંતુ ગેંગની મોડસ ઓપરેન્ડી એટલી હાઇટેક હતી કે તેમણે ડ્રગ્સની ગંધ બહાર ન આવે તે માટે હેરોઇનને પ્લાસ્ટિકમાં પેક કરી અથાણાના ડબ્બામાં મસાલાની વચ્ચે છુપાવી દીધું હતું. પોલીસે જ્યારે ઝીણવટભરી તપાસ કરી ત્યારે અથાણાના ડબ્બામાંથી 22 ગ્રામ શુદ્ધ હેરોઇન મળી આવ્યું હતું.










