કચ્છ જિલ્લામાં નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા માટે પોલીસ તંત્ર દ્વારા ચલાવવામાં આવી રહેલી ઝુંબેશને વધુ એક મોટી સફળતા મળી છે. કચ્છની સરહદ પર આવેલી આડેસર પોલીસ ચેકપોસ્ટ પર પોલીસ સ્ટાફ દ્વારા શંકાસ્પદ વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું. આ નિયમિત વાહન ચેકિંગ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલી એક મારુતિ કારને શંકાના આધારે રોકીને તલાશી લેવામાં આવતા, તેમાંથી કરોડોની કિંમતનું પ્રતિબંધિત એમ.ડી. (MD) ડ્રગ્સ મળી આવ્યું હતું. પોલીસે સ્થળ પરથી જ ડ્રગ્સના નેટવર્ક સાથે જોડાયેલા ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી છે.
ત્રણ શખ્સોની ધરપકડ, બે આરોપીઓ વોન્ટેડ
આ સફળ ઓપરેશન દરમિયાન આડેસર પોલીસે મારુતિ કારમાં સવાર ત્રણ નશાના સોદાગરોને રંગેહાથ દબોચી લીધા હતા. પકડાયેલા આરોપીઓમાં હૈદરઅલી હયાતઅલી રાજડ, મિતેષભાઈ ભરતભાઈ જંગમ અને અકબરઅલી મહમદખાન રાજડનો સમાવેશ થાય છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આ ગુનામાં અન્ય બે મુખ્ય આરોપીઓની સંડોવણી હોવાનું પણ બહાર આવ્યું છે, જેમને હાલ પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પકડાયેલા ત્રણેય આરોપીઓ સામે પોલીસે એન.ડી.પી.એસ. (NDPS) એક્ટની વિવિધ કડક કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.













