સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામાં આવેલા માલીકા ગામ નજીક એક મોટી અકસ્માતની ઘટના સામે આવી છે. માલીકાથી વડલા ગામ તરફ જતા રસ્તા પર આવેલા સુખડિયા ડેમના કોઝવે પરથી પસાર થઈ રહેલી એક સ્વિફ્ટ કાર અચાનક લપસીને ડેમના ઊંડા પાણીમાં ખાબકી હતી. કોઝવે પર ડેમના પાણીનો સતત પ્રવાહ રહેતો હોવાથી રસ્તા પર લીલ અને ચીકણાશ જામી ગઈ હતી, જેના કારણે કારનું વ્હીલ સ્લિપ થઈ જતાં આ અકસ્માત સર્જાયો હતો.
ગ્રામજનોએ દર્શાવી સમયસૂચકતા
અકસ્માત થતાં જ આસપાસના વિસ્તારમાંથી માલીકા ગામના રહીશો અને સ્થાનિકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સદનસીબે કારમાં સવાર તમામ લોકોનો આબાદ બચાવ થયો હતો. ગ્રામજનોએ ભારે હિંમત અને સમયસૂચકતા દાખવીને કારમાં સવાર તમામ મુસાફરોને પાણીમાંથી સલામત રીતે બહાર કાઢ્યા હતા. ત્યારબાદ ગામમાંથી ટ્રેક્ટર મંગાવીને ડેમમાં ગરકાવ થયેલી સ્વિફ્ટ કારને પણ બહાર કાઢવામાં આવી હતી.

