લખતર-વિરમગામ હાઇવે પર લખતર બસ સ્ટેન્ડ નજીક એક કન્ટેનર રોડની સાઈડમાં ઉતરી જતા અકસ્માત સર્જાયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ, આ કન્ટેનર સુરેન્દ્રનગરથી બહુચરાજી ખાતે આવેલી હોન્ડા કંપનીમાં જઈ રહ્યું હતું. આ દરમિયાન લખતર બસ સ્ટેન્ડ પાસે અચાનક રોડ પર જાનવર આવી જતા કન્ટેનર ડ્રાઇવરે તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે ડ્રાઇવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને કન્ટેનર રોડની સાઈડમાં આવેલી ગટરમાં ઉતરી ગયું હતું.

રહીશોએ ડ્રાઇવરને સુરક્ષિત બહાર કાઢ્યો

અકસ્માતની ઘટના બનતા જ આજુબાજુના વિસ્તારના રહીશો અને રસ્તા પરથી પસાર થતા રાહદારીઓ તાત્કાલિક મદદ માટે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોએ સમયસૂચકતા દાખવીને ગટરમાં ઉતરી ગયેલા કન્ટેનરમાંથી ડ્રાઇવરને સહી સલામત બહાર કાઢ્યો હતો. આ દુર્ઘટનામાં કન્ટેનર ડ્રાઇવરનો આબાદ બચાવ થયો હતો અને સદનસીબે કોઈ મોટી જાનહાનિ ટળી હતી, જેનાથી સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.

બે ક્રેનની મદદથી કન્ટેનર બહાર કઢાયું

રોડની સાઈડમાં આવેલી ગટરમાં ફસાયેલા ભારેખમ કન્ટેનરને બહાર કાઢવા માટે તંત્ર અને સ્થાનિકો દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઘટનાસ્થળે બે ક્રેન બોલાવીને ભારે જહેમત બાદ ગટરમાં ઉતરી ગયેલા કન્ટેનરને બહાર કાઢવામાં આવ્યું હતું. હાઇવે પર બનેલી આ ઘટનાને પગલે થોડા સમય માટે લોકોના ટોળા એકઠા થયા હતા, પરંતુ કોઈ જાનહાનિ ન થતા મોટી દુર્ઘટના ટળી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો