મહીસાગર જિલ્લાના લુણાવાડા નગરમાં ચાર કોશીયા નાકા પાસે આવેલા બક્ષીપંચ કુમાર છાત્રાલયમાં મોડી સાંજે/રાત્રે ભોજન લીધા બાદ બાળકોની તબિયત અચાનક લથડી હતી. છાત્રાલયમાં રહેતા 6 જેટલા બાળકોને એકાએક અસહ્ય પેટમાં દુખાવો અને ઝાડા-ઊલટીની ફરિયાદ શરૂ થઈ હતી.
બાળકોની તબિયત અચાનક લથડી
ઘટનાની જાણ થતાં જ છાત્રાલય સંચાલકો અને સ્થાનિક આરોગ્ય વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી. સ્થિતિની ગંભીરતા જોઈ 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે તમામ 6 અસરગ્રસ્ત બાળકોને તાત્કાલિક લુણાવાડાની કોટેજ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે.બક્ષીપંચ કુમાર છાત્રાલયમાં કુલ 50 જેટલા વિદ્યાર્થીઓની ક્ષમતા સામે હાલ 20 જેટલા વિદ્યાર્થીઓ રહીને અભ્યાસ કરી રહ્યા છે. તેમાંથી એકસાથે 6 બાળકોને ફૂડ પોઇઝનિંગ થતાં વિદ્યાર્થીઓને પીરસવામાં આવતા ભોજનની ગુણવત્તા અને સ્વચ્છતા સામે અનેક પ્રશ્નાર્થો ઊભા થયા છે.
