મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે આવેલી પુષ્પમ વિલા સોસાયટીમાં તસ્કરોએ મધ્યરાત્રિએ દરોડો પાડી ખુલ્લેઆમ ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. ચોરોએ વરસાદી માહોલ અને અંધારાનો પૂર્ણ લાભ ઉઠાવીને સોસાયટીના ચાર બંધ મકાનોને નિશાન બનાવ્યા હતા. આશ્ચર્યની વાત એ છે કે જે ચાર મકાનોમાં ચોરી થઈ છે, તેમાં એક ઘર સ્થાનિક પોલીસ કોન્સ્ટેબલનું પણ હતું. તસ્કરોએ બંધ મકાનોમાંથી કિંમતી સામાનની હાથસફાઈ કરીને સીધો પોલીસ તંત્રને જ સરેઆમ ચેલેન્જ ફેંક્યો છે.
સીસીટીવી ફુટેજમાં કેદ થઈ ચોર ટોળકી
ઘટના બાદ સોસાયટીના સીસીટીવી (CCTV) ફુટેજ સામે આવ્યા છે, જેમાં ચોરોની હરકતો સ્પષ્ટપણે જોઈ શકાય છે. સીસીટીવી દ્રશ્યોમાં તસ્કરો 'ચડ્ડી-બનિયાનધારી' વેશભૂષામાં નજરે પડે છે, જેમણે મોં પર રૂમાલ બાંધેલા હતા અને હાથમાં તીક્ષ્ણ હથિયારો ધારણ કર્યા હતા. તસ્કરોની આ શૈલી અને પહેરવેશના આધારે તેઓ મધ્યપ્રદેશની કુખ્યાત ચોર ગેંગના સભ્યો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. અગાઉ પણ જિલ્લામાં આ પ્રકારની ગેંગ દ્વારા કેટલીક ચોરીઓ કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું.
