મહીસાગર જિલ્લાના કાલસર વિસ્તારમાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રખિયાલ ગામના રહેવાસી જયપાલસિંહ રાઉલજી તેમની પત્ની શિલ્પાબેન અને 15 વર્ષીય પુત્ર આર્યસિંહ સાથે બાઇક પર સવાર થઈને કાલસરથી જોરબંધ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન કાલસર પાસે આવેલી મહી બજાજ સાગરની મુખ્ય કેનાલ નજીક કોઈ કારણોસર બાઇક ઊભું રાખવામાં આવ્યું હતું. બાઇક ઊભું રહેતાં જ પત્ની શિલ્પાબેને અચાનક કેનાલના ઊંડા પાણીમાં આપઘાત કરવાના ઇરાદે છલાંગ લગાવી દીધી હતી.
માતાનો આબાદ બચાવ, પુત્ર ઊંડા પાણીમાં લાપતા
પોતાની જનનીને મોત વહાલ કરવા માટે પાણીમાં કૂદતી જોઈને પુત્ર આર્યસિંહ જયપાલસિંહ રાઉલજી પણ કેનાલના ધસમસતા પ્રવાહમાં કૂદી પડ્યો હતો. ઘટનાને નજરે જોતાં જ આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. સ્થાનિક તરવૈયાઓએ ભારે જહેમત બાદ માતા શિલ્પાબેનને પાણીમાંથી જીવતેજીવ આબાદ બહાર કાઢી લીધા હતા, પરંતુ અફસોસ કે તેમને બચાવવા ગયેલો માસૂમ પુત્ર આર્યસિંહ કેનાલના ભારે પ્રવાહમાં વહી જતાં પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.
