મહીસાગર જિલ્લામાં જન આરોગ્યના રક્ષણ માટે ફૂડ સેફ્ટી વિભાગ અને આરોગ્ય તંત્ર દ્વારા વ્યાપક ધોરણે તપાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. રાજ્યમાં વધી રહેલા જીબીએસ (GBS) રોગચાળાના પગલે જાગૃત બનેલા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે લુણાવાડા નગરમાં છેલ્લા બે દિવસથી હોટલો, નાસ્તાની દુકાનો, ખાણીપીણીની લારીઓ તેમજ શાળાઓ અને છાત્રાલયોમાં સઘન ચેકિંગ હાથ ધર્યું છે. લોકો તથા વિદ્યાર્થીઓની સ્વાસ્થ્ય સુખાકારી સુનિશ્ચિત કરવા અને ગુણવત્તાયુક્ત આહાર મળી રહે તે માટે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
રેસ્ટોરન્ટ અને છાત્રાલયને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ
તપાસ દરમિયાન આરોગ્ય સાથે ચેડાં કરતા તત્વો સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે લાલ આંખ કરી છે. લુણાવાડાની જાણીતી આવકાર રેસ્ટોરન્ટમાં તપાસ વેળાએ ક્ષતિઓ જણાતા સંચાલકને ‘ઇમ્પ્રુવમેન્ટ નોટિસ’ આપવામાં આવી છે. આ ઉપરાંત બક્ષીપંચ છાત્રાલયમાં પણ રસોડા અને આસપાસ સ્વચ્છતાનો અભાવ જોવા મળતા તંત્ર દ્વારા નોટિસ ફટકારી તુરંત સુધારા કરવા આદેશ કરાયા છે. બીજી તરફ લુણાવાડા નગરપાલિકા દ્વારા પણ ગંદકી ફેલાવતા લારી-ગલ્લા ધારકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે.
