મહીસાગર જિલ્લાના મુખ્ય જળાશય કડાણા ડેમમાં ઉપરવાસમાંથી પાણીની સતત આવક થવાના કારણે ડેમની જળસપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે. કડાણા ડેમ 70 ટકા જેટલો ભરાઈ જતાં મધ્ય અને ઉત્તર ગુજરાતના 7 જિલ્લાના ખેડૂતોમાં આનંદની લહેર ફરી વળી છે. લાંબા સમયથી સિંચાઈના પાણીની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે આ મેઘમહેર સંકટમોચક સાબિત થઈ છે અને આવનારા રવિ પાક માટે પણ આશાસંચાર થયો છે.

6,500 ક્યુસેક પાણીની આવક: જળસપાટી 406.04 ફૂટે પહોંચી

ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે કડાણા ડેમમાં હાલ પ્રતિસેકન્ડ 6,500 ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે. પાણીની આ સતત આવકના પગલે ડેમની વર્તમાન જળસપાટી 406.04 ફૂટે પહોંચી ગઈ છે. પાણીનો વિપુલ જથ્થો જમા થતાં ડેમમાંથી સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યા હળવી થશે, જેથી તંત્ર અને સ્થાનિક લોકોએ ભારે રાહત અનુભવી છે.

Water inflow into Kadana Dam in Mahisagar

ડેમ સંપૂર્ણ ભરાવામાં માત્ર 13 ફૂટ ખાલી: ખેડૂતોમાં ખુશાલી

હાલની પરિસ્થિતિ મુજબ કડાણા ડેમ પોતાની પૂર્ણ ભયજનક સપાટીથી માત્ર 13 ફૂટ જ ખાલી રહ્યો છે. જો ઉપરવાસમાંથી આવી જ રીતે પાણીની આવક ચાલુ રહેશે તો ટૂંક સમયમાં જ ડેમ તેની પૂર્ણ ક્ષમતાએ ભરાઈ જશે. ડેમમાં પાણીનો વિશાળ સંગ્રહ થતાં મહીસાગર સહિત આસપાસના જિલ્લાઓના ખેતીવાડી ક્ષેત્રે પાણીનું સંકટ ટળ્યું છે, જેને લઈને ખેડૂત આલમમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો