મહિસાગર જિલ્લામાં ગેરકાયદે વિદેશી દારૂની હેરાફેરી અને વેચાણ સામે મહિસાગર એલ.સી.બી. (LCB) પોલીસે મોટી સફળતા મેળવી છે. કોઠંબા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવેલા ખેમપુર ગામે ડાહ્યાભાઈ બારીયા નામના શખ્સે પોતાના ખેતરમાં ગેરકાયદે વિદેશી દારૂનો મોટો જથ્થો સંતાડ્યો હોવાની ચોક્કસ બાતમી LCB ટીમને મળી હતી. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને ખેતરમાંથી દારૂનું વેચાણ કરી રહેલા એક શખ્સની સ્થળ પરથી જ ધરપકડ કરી હતી.

607 નંગ વિદેશી દારૂની બોટલો કબ્જે કરાઈ 

પોલીસે ખેતરમાં હાથ ધરેલી સઘન તલાશી દરમિયાન છુપાવવામાં આવેલી વિદેશી દારૂની કુલ 607 નંગ બોટલો મળી આવી હતી. મહિસાગર LCB એ સ્થળ પરથી રૂ.1,53,000ની કિંમતનો વિદેશી દારૂનો તમામ જથ્થો જપ્ત કર્યો હતો. દારૂના કાળા કારોબારમાં સંકળાયેલા આરોપીને અટકાયતમાં લઈને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

દારૂનું નેટવર્ક ખંગાળવા LCB પોલીસે તપાસ આદરી 

દરોડા બાદ LCB પોલીસે વિદેશી દારૂનો આટલો મોટો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને આ નેટવર્કમાં અન્ય કોણ કોણ સંકળાયેલું છે તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. દારૂના સપ્લાયર અને મુખ્ય સુત્રધારો સુધી પહોંચવા માટે પોલીસે આરોપીની કડક પૂછપરછ હાથ ધરી કોઠંબા પોલીસ મથકે આગળની ધોરણસરની કાર્યવાહી સોંપી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો