મહીસાગર જિલ્લાના વિરાણીયા નજીક આવેલા કાકાના ચમારીયા ગામ પાસેથી પસાર થતી પાનમ કેનાલમાં અચાનક મોટું ગાબડું પડવાની ઘટના સામે આવી છે. કેનાલમાં ગાબડું પડવાને કારણે પાણીનો ધસમસતો પ્રવાહ આસપાસના ખેતરોમાં ફરી વળ્યો હતો, જેના લીધે ખેડૂતોના ઊભા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
માત્ર 3 થી 4 મહિના પહેલા જ કરાયેલા સમારકામની પોલ ખૂલી
આ ઘટનાને પગલે સિંચાઈ વિભાગની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ પાનમ કેનાલનું સમારકામ હજુ માત્ર 3 થી 4 મહિના પહેલા જ કરવામાં આવ્યું હતું. આટલા ટૂંકા ગાળામાં જ રિપેરિંગ કરવામાં આવેલી કેનાલ તૂટી પડતા તંત્રના ભ્રષ્ટાચાર અને હલકી ગુણવત્તાયુક્ત કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ છે.

રજૂઆત છતાં યોગ્ય કામગીરી ન થતા સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ
સ્થાનિક ખેડૂતોમાં આ ઘટનાને લઈને ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે, જ્યારે કેનાલનું સમારકામ ચાલી રહ્યું હતું, તે સમયે જ કામની ગુણવત્તા અંગે રજૂઆતો કરવામાં આવી હતી. તેમ છતાં જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર દ્વારા યોગ્ય કામગીરી કરવામાં ન આવતા આજે આ ગાબડું પડ્યું છે.

એક તરફ પાણીની તંગી અને બીજી તરફ લાખો લીટર પાણીનો વેડફાટ
હાલ એક તરફ ઓછા વરસાદને કારણે પંથકના ખેડૂતો સિંચાઈ માટે પાણીની માંગણી કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ તંત્રની બેદરકારી અને નબળી કામગીરીના પાપે કેનાલ તૂટતા લાખો લીટર કિંમતી પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. ખેડૂતોએ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની અને તાત્કાલિક યોગ્ય સમારકામ કરવાની માગ ઉઠાવી છે.
આ પણ વાંચો: Mahisagar News : દબાણ તો હટાવાયા, હવે રોડ ક્યારે બનશે? સંતરામપુરમાં બસ સ્ટેન્ડથી કારગિલ પેટ્રોલ પંપ સુધીના દબાણો દૂર...