મહિસાગર જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ સમી સાંજે અને રાત્રિના સમયે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે. ભારે વરસાદના કારણે જિલ્લા મુખ્ય મથક લુણાવાડા ખાતે ગોધરા-શામળાજી મુખ્ય હાઇવે પર વરસાદી પાણી ભરાઈ ગયા હતા. આ ઉપરાંત લુણાવાડાના દારકોલી દરવાજા તેમજ અસ્થાના હાટડીયા બજાર જેવા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળતાં વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
ખેડૂતોમાં આનંદનો માહોલ, યુવાધને વરસાદની મજા માણી
લાંબા વિરામ કે ગરમીના ઉકળાટ બાદ ગાજવીજ સાથે પધારેલા વરસાદને કારણે સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ છે. ચોમાસુ પાક માટે આ વરસાદ અત્યંત ઉપયોગી સાબિત થનાર હોવાથી ધરતીપુત્રો અને ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. બીજી તરફ, રાત્રિના સમયે ધોધમાર પડેલા વરસાદની મજા માણવા માટે મોટી સંખ્યામાં યુવાધન રસ્તાઓ પર ઉતરી આવ્યું હતું અને વરસાદી માહોલનો આનંદ માણ્યો હતો.
