મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં આવેલી ગાંગટા જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલના હોસ્ટેલ પરિસરમાં મજૂરી કામ અર્થે આવેલા 40 વર્ષીય ભલાભાઈ મછાર નામના યુવાનનું શંકાસ્પદ સંજોગોમાં મોત નીપજતાં ચકચાર મચી ગઈ છે. મહેનત મજૂરી કરીને પોતાના પરિવારનું ભરણપોષણ કરતા યુવકનું હોસ્ટેલ પરિસરમાં જ અચાનક કેવી રીતે મોત થયું તે અંગેનું રહસ્ય હજુ પણ અકબંધ છે. આ ઘટનાની જાણ થતાં જ મૃતકના પરિવારજનોમાં ભારે શોક અને રોષની લાગણી વ્યાપી ગઈ છે.

મૃતદેહ હોસ્પિટલ ખસેડ્યા બાદ પરિવારને જાણ કરાઈ

યુવકના મોત બાદ તેને સ્થાનિક કક્ષાએ જાણ કર્યા વિના લુણાવાડા કોટેજ હોસ્પિટલ ખાતે ખસેડી દેવામાં આવ્યો હતો. હોસ્પિટલ પહોંચાડ્યા બાદ પરિવારજનોને બનાવ અંગે માહિતી આપવામાં આવતાં પરિવારમાં અનેક શંકા-કુશંકાઓ જાગી છે. હોસ્ટેલ સંચાલકો કે તંત્ર દ્વારા બનાવ છુપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરીને પરિવારજનોએ ભારે વિરોધ નોંધાવ્યો છે. અચાનક બનેલી આ ઘટનાને કારણે પરિવાર પર આભ તૂટી પડ્યું છે અને તેઓ આ મામલે યોગ્ય ખુલાસાની માંગ કરી રહ્યા છે.

નિષ્પક્ષ તપાસ અને પેનલ પીએમ કરાવવા ઉગ્ર માગણી

પરિવારજનોએ યુવાનના મોત પાછળ કોઈ ગંભીર કારણ હોવાની આશંકા વ્યક્ત કરી છે અને સમગ્ર મામલે તટસ્થ તપાસ કરવાની વિનંતી કરી છે. મૃતક ભલાભાઈના શંકાસ્પદ મોતનું સત્ય બહાર લાવવા માટે લુણાવાડા કોટેજ હોસ્પિટલ ખાતે તબીબોની વિશેષ પેનલ દ્વારા પીએમ કરવામાં આવે તેવી ઉગ્ર માંગણી કરવામાં આવી છે. પરિવારે સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી સમગ્ર બનાવનું સાચું કારણ સામે નહીં આવે અને જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી તેઓ ન્યાય માટે લડત ચાલુ રાખશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો