ભાવનગર જિલ્લાના મહુવા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC) માં ચાલુ સિઝનમાં મગફળીની ઐતિહાસિક અને રેકોર્ડબ્રેક આવક નોંધાઈ છે. લાભપાંચમ અને તહેવારોના દિવસો નજીક આવતાં જ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી ખેડૂતો પોતાના તૈયાર પાકને લઈને યાર્ડમાં ઉમટી પડ્યા હતા. એક જ દિવસમાં મગફળીની 56,000 બોરી (આશરે 1 લાખ મણ) થી વધુની તોતિંગ આવક થતાં સમગ્ર માર્કેટ યાર્ડનું પરિસર મગફળીના ઢગલાઓથી છલકાઈ ગયું હતું. મગફળીની આવકની દ્રષ્ટિએ મહુવા યાર્ડ હાલ સમગ્ર સૌરાષ્ટ્રમાં ગોંડલ અને રાજકોટ બાદ ત્રીજા ક્રમે પહોંચી ગયું છે. બીજી તરફ, સંતોષકારક અને ઊંચા બજારભાવ મળતાં જગતના તાતમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે.

મહુવા APMC માં મગફળીની આવક 

મહુવા માર્કેટ યાર્ડના મુખ્ય પ્લેટફોર્મ, શેડ અને ખુલ્લા મેદાનો મગફળીની ગુણીઓ અને ઢગલાઓથી સંપૂર્ણપણે ભરાઈ જતાં પગ મૂકવાની પણ જગ્યા બચી નહોતી.પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે યાર્ડ વહીવટી તંત્ર દ્વારા વધારાની મગફળીનો જથ્થો ઉતારવા માટે તાકીદે દેવળિયા ખાતે વિશેષ વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી.ટ્રાફિક જામ અને અવ્યવસ્થા ન સર્જાય તે માટે તંત્ર દ્વારા આગામી સત્તાવાર જાહેરાત કે નવી સૂચના ન મળે ત્યાં સુધી મગફળીની નવી આવક સ્વીકારવાનું સંપૂર્ણપણે મોકૂફ રાખવામાં આવ્યું છે.ખેડૂતોને હાલાકી ન ભોગવવી પડે તે હેતુથી જ્યાં સુધી હાલના જથ્થાની હરાજી અને નિકાલ ન થાય ત્યાં સુધી યાર્ડમાં નવો માલ ન લાવવા સ્પષ્ટ અપીલ કરાઈ છે.

ગુણવત્તા મુજબ મગફળીના રેકોર્ડબ્રેક ભાવ

યાર્ડમાં ચાલેલી જાહેર હરાજીમાં વિવિધ જાતોના બોલાયેલા ભાવ (પ્રતિ મણ / ૨૦ કિલો),66 નંબર મગફળી: ઊંચી ગુણવત્તા અને તેલના ઊંચા ટકાવારીના કારણે સૌથી વધુ ₹2,260 પ્રતિ મણ સુધીનો સર્વોચ્ચ ભાવ બોલાયો હતો.ખેડૂતોને 20 નંબર મગફળીના સારા લોટ માટે ₹૧,૬૮૦ પ્રતિ મણ નો ભાવ મળ્યો હતો.39  નંબરની જાતમાં પણ સારો ઉપાડ રહેતાં ₹1,660 પ્રતિ મણ સુધીના સોદા થયા હતા.