ભાવનગર જિલ્લાના મહુવા પંથકમાંથી પસાર થતા નેશનલ હાઇવે 51 પર અકસ્માતોની વણઝાર યથાવત રહી છે, ત્યારે વધુ એક ગમખ્વાર ત્રિપલ અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. મહુવા નજીક આવેલા ઉમણીયાવદર અને ગણપતિ મંદિર વચ્ચેના માર્ગ પર પૂરઝડપે જઈ રહેલા બે મોટા ટ્રક અને એક આઇશર વાહન વચ્ચે ધડાકાભેર જોરદાર ટક્કર થઈ હતી. આ ત્રિપલ અકસ્માત એટલો ભયાનક હતો કે હાઇવે પર અફરાતફરી મચી ગઈ હતી અને વાહનોના ફૂરચા ઉડી ગયા હતા.
એક વ્યક્તિની હાલત અત્યંત નાજુક, હોસ્પિટલ ખસેડાયો
આ ગંભીર અકસ્માતની ઝપેટમાં આવવાથી એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી છે, જેની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. દુર્ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો અને 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ઈજાગ્રસ્ત બનેલા આ શખ્સને ત્વરિત પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર અર્થે નજીકની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તબીબો દ્વારા તેમની સારવાર ચાલી રહી છે.
