અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાંથી એક અત્યંત દુખદ અને હૃદયદ્રાવક અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના માલણપુર બસ સ્ટેશનથી અડધો કિલોમીટર અંદર આવેલા સિંગલ માર્ગીય રોડ ઉપર એક ગ્રાન્ડ i10 કાર અચાનક અનિયંત્રિત થઈને રોડની બાજુની ખાઈમાં ખાબકી હતી. આ ગંભીર અકસ્માતમાં માંડલ તાલુકાના કડવાસણ ગામના એક વૃદ્ધ દંપતીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે કાર ચલાવી રહેલો તેમનો ભત્રીજો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને ત્વરિત સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
રોડ વિભાગની બેદરકારીના ગંભીર આક્ષેપો
આ ગોઝારી ઘટનામાં મૃત્યુ પામનાર દંપતીની ઓળખ કડવાસણ ગામના રહેવાસી 71 વર્ષીય જલાભાઈ મોતીભાઈ ડોડીયા અને તેમની 69 વર્ષીય પત્ની દેવીબેન જલાભાઈ ડોડીયા તરીકે થઈ છે. સ્થાનિક લોકો અને પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, માલણપુર જતો આ રોડ નવો બનાવવામાં આવ્યો હતો, પરંતુ કોન્ટ્રાક્ટર કે રોડ વિભાગની ઘોર બેદરકારીના કારણે રોડની બંને બાજુએ માટીનું લેવલ સરખું કરવામાં આવ્યું ન હતું. વળાંક પાસેથી પસાર થતી વખતે કાર ખાડામાં ઉતરી જવાથી આ દુર્ઘટના સર્જાઈ હતી, જેના કારણે સ્થાનિક ગ્રામજનોમાં રોડ વિભાગ સામે ભારે રોષ ફેલાયો છે.

