માંડવી શહેરમાં નાગરિકોની સુરક્ષા અને ગુનાખોરી પર અંકુશ મેળવવા માટે ઊભી કરવામાં આવેલી હાઇટેક સુરક્ષા વ્યવસ્થા સંપૂર્ણપણે ખાડે ગઈ છે. નગરપાલિકા દ્વારા વર્ષ ૨૦૧૭માં લાખો રૂપિયાના પ્રજાકીય નાણાં ખર્ચીને શહેરના સંવેદનશીલ અને મુખ્ય માર્ગો પર લગાવવામાં આવેલા તમામ ૮૧ સીસીટીવી (CCTV) કેમેરા લાંબા સમયથી સદંતર બંધ હાલતમાં હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. વાવાઝોડું અને ત્યારબાદ અસામાજિક તત્વો દ્વારા કેમેરાના કેબલ-વાયરોની ચોરી કરી લેવાયા બાદ તંત્રએ તેનું સમારકામ હાથ ન ધરતાં સમગ્ર માંડવી શહેરની સુરક્ષા વ્યવસ્થા હાલ ભગવાન ભરોસે મુકાઈ ગઈ છે.
વર્ષ 2017માં ₹45 લાખથી વધુના ખર્ચે ઊભું કરાયું હતું સર્વેલન્સ નેટવર્ક
માંડવીમાં વધતી જતી ટ્રાફિક સમસ્યા, ચોરી અને અસામાજિક પ્રવૃત્તિઓને ડામવા માટે પાલિકાએ આ નેટવર્ક તૈયાર કર્યું હતું. નગરપાલિકા દ્વારા વર્ષ 2017માં શહેરના પ્રવેશદ્વારો, બજારો, ધાર્મિક સ્થળો અને બીચ રોડ સહિતના મહત્વના પોઈન્ટ્સ પર 81 આધુનિક સીસીટીવી કેમેરા ઈન્સ્ટોલ કરવામાં આવ્યા હતા.આ પ્રોજેક્ટ પાછળ સરકારી તિજોરીમાંથી રૂપિયા 45 લાખથી વધુનો માતબર ખર્ચ કરવામાં આવ્યો હતો.શરૂઆતના સમયમાં પોલીસ તંત્રને ટ્રાફિક નિયમન અને ગુનાખોરી રોકવામાં આ કેમેરા ઘણા મદદરૂપ સાબિત થયા હતા, પરંતુ યોગ્ય મેન્ટેનન્સના અભાવે આખી વ્યવસ્થા ધીમે ધીમે કાગળ પર સમેટાઈ ગઈ છે.
બિપરજોય વાવાઝોડું અને વાયરોની ચોરી
પાલિકાના આયોજનવિહીન વહીવટના કારણે કુદરતી અને માનવસર્જિત મુશ્કેલીઓ બાદ પ્રોજેક્ટ રઝળી પડ્યો. વર્ષ 2023માં કચ્છના દરિયાકાંઠે ત્રાટકેલા બિપરજોય વાવાઝોડા દરમિયાન ભારે પવન અને વરસાદથી કેમેરા તેમજ તેના નેટવર્કને ભારે નુકસાન પહોંચ્યું હતું.વાવાઝોડા બાદ પ્રાથમિક રિપેરિંગ કરાયું હોવાનો દાવો કરાયો હતો, પરંતુ ત્યારબાદ તરત જ તસ્કરો અને અસામાજિક તત્વો દ્વારા રસ્તાઓ પરથી કેમેરાના કોપર વાયરોની મોટા પાયે ચોરી કરી લેવામાં આવી હતી.વાયરોની ચોરી અંગે માંડવી પોલીસ મથકે સત્તાવાર ફરિયાદ પણ નોંધાઈ હતી, પરંતુ ત્યારથી માંડીને વર્ષ 2025 અને 2026 સુધી આ કેમેરા પુનઃ કાર્યરત થઈ શક્યા નથી.
ગુનાખોરી અને તપાસ સામે સૌથી મોટો અવરોધ
પોલીસ તપાસમાં 'ત્રીજી આંખ' ગણાતા કેમેરા બંધ રહેતાં ગુનેગારો બેફામ બન્યા છે.શહેરમાં ચોરી, લૂંટ, છેડતી કે હિટ એન્ડ રન જેવા ગંભીર બનાવો બને ત્યારે પોલીસ માટે સૌથી મોટો આધાર સીસીટીવી ફૂટેજ હોય છે.પરંતુ કેમેરા બંધ હોવાથી પોલીસને ગુનેગારો સુધી પહોંચવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને મહત્વપૂર્ણ કડીઓ ગુમાવવી પડે છે.શહેરના વેપારીઓ અને સ્થાનિક નાગરિકોમાં એ વાતનો રોષ છે કે લાખો રૂપિયા ખર્ચવા છતાં જો સંવેદનશીલ સમયમાં કેમેરા બંધ જ રહેવાના હોય તો આ પ્રોજેક્ટનો અર્થ શું?
નગરપાલિકા કહે છે ‘આયોજનમાં છે’, પણ તારીખ કઈ?
સમગ્ર મામલે નગરપાલિકા સત્તાધીશોના વલણ સામે પણ આંગળીઓ ચીંધાઈ રહી છે.પાલિકા તંત્ર દ્વારા એવો બચાવ કરવામાં આવી રહ્યો છે કે બંધ પડેલા 81 કેમેરાને ફરીથી ચાલુ કરવાનો મુદ્દો બોર્ડ અને વહીવટી આયોજનમાં લેવામાં આવ્યો છે.જોકે, બજેટ ક્યારે ફાળવાશે, નવી એજન્સીને કોન્ટ્રાક્ટ ક્યારે અપાશે અને વાસ્તવિકતામાં કેમેરા કઈ તારીખે શરૂ થશે તેની કોઈ સ્પષ્ટ સમયમર્યાદા જાહેર કરવામાં આવી નથી.પ્રજાના ટેક્સના પૈસાનો આ રીતે વ્યય થતાં માંડવીના જાગૃત નાગરિકો હવે સીસીટીવી નેટવર્ક તાકીદે શરૂ કરવાની માંગ કરી રહ્યા છે.
આ પણ વાંચો: Surat: મનપામાં કચરાના નિકાલના નામે મોટો ખેલ; એક જ એજન્સી અને સરખા કામ છતાં ટને ₹400 નો તફાવત